________________
તેનું શું? સાર એટલો કે પ્રલોભન અપાય તો આરાધકોની સંખ્યા વધે, તપસ્વીઓનો આંકડો ઘણો વધે, એમાં હવે જરાય શક નથી. પરંતુ પછી એવું બનવાનું કે, પ્રલોભન ન હોય અથવા ઓછું હોય, તો સંખ્યા ઉપર તેની અસર પડવાની જ. જમણવાળું ન હોય તો આરાધકોનું જૂથ લગભગ નહિવત્ હોવાનું.
જમવાનો મુદ્દો પણ પાછો ભારે અટપટો છે. જે ઉપાશ્રયો નિરવદ્ય અને આરંભ-સમારંભથી મુક્ત એવી ધર્મક્રિયા માટે જ નિર્માયા હોય, છે તે હવે સાવદ્ય આરંભ સમારંભના ઘર બની ગયા છે. રાતે રસોઈ, અકથ્ય આદિનો ઉપયોગ, એંઠવાડ, ગંદકી, તે કારણે મચ્છરાદિનો ભયાનક ઉપદ્રવ, રાતભર વાસણોનો તથા કામદારોનો વિઘ્નરૂપ ઘોંઘાટ, આ બધું જ ઉપાશ્રયોમાં ચાલવા લાગ્યું છે; અને તે પણ તપના, શાસનપ્રભાવનાના રૂપાળા ઓઠા તળે. કેટલાક ઉપાશ્રયોમાં તો આવું બધું બાર બાર મહિના સળંગ ચાલતું રહે છે, અને તે પણ ધર્મપ્રભાવકોની સહમતીપૂર્વક!
પરિણામે આવા આયોજનો ન હોય અથવા પર્યુષણ સાથે તે પણ પૂરાં થઈ જાય, ત્યારે ઉપાશ્રયો આપોઆપ ખાલી ખાલી રહેવા લાગે છે. અને આરાધકોનો તથા તપસ્વીઓનો રસ સાવ ઓસરી જતો હોય છે. શક્તિશાળી જીવો વળી અવનવાં આયોજનોના નુસખા અજમાવીને સમૂહને ભેગો કરી લે છે. પરંતુ આમાં સાચી ધર્મચિ કે રુચિવાળા જીવોની પરખ તથા પ્રાપ્તિ કરવાનું અતિવિકટ બની જાય છે.
પ્રલોભન અને ધર્મ બન્ને વચ્ચે બિયાબારું છે તે તથ્ય આપણને કયારે સમજાશે?
(આસો-૨૦૬૧)