________________
૪૮
શ્રીસ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું અતિ પ્રાચીન નીલરત્નમય બિંબ હોવાને કારણે આ ક્ષેત્રને સ્તંભનતીર્થ એવા નામે ઓળખવામાં આવે છે. ૭૨ જિનાલયોથી મંડિત આ પુરાતન તીર્થનાં દર્શન જેટલીવાર કરીએ તેટલી વાર અધિકથી અધિક આનંદ જ અનુભવાય છે. અહીંના એક પુણ્યવંત પરિવારે સ્વદ્રવ્ય વડે નિર્માણ કરાવેલ નવીન જિનમંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ આ દિવસોમાં ચાલી રહ્યો છે.
“સ્વદ્રવ્ય' શબ્દ પર થોડુંક ચિંતન જરૂરી લાગે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં સ્વદ્રવ્ય' શબ્દ આપણે ત્યાં બહુ જ પ્રચલિત બન્યો છે. અમુક સાધુવર્ગે તેના પર એટલો બધો તો ભાર આપ્યો છે કે, હવે સ્વદ્રવ્યથી પૂજા કરનારો વિશિષ્ટ શ્રાવક ગણાય છે, સ્વદ્રવ્યથી કોઈ પણ પ્રકારનું ધર્મકૃત્ય કરે તેનાં માન-વજન સમાજમાં ખૂબ પડે છે. તે પોતે પણ પછી પોતાના માટે જરાક વધુ પડતો ઊંચો ખ્યાલ ધરાવતો થઈ જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે, જે સ્વદ્રવ્યનો ઉપયોગ નથી કરતા, અથવા ઉપયોગ કરી શકવા જેટલું સ્વદ્રવ્ય જેમની પાસે નથી, તેઓને માટે તેમના મનમાં પણ અને સમાજમાં પણ તેઓ જરા ઊતરતી કક્ષાના છે તેવી છાપ પડી જાય છે.
ખરેખર શાસ્ત્રોમાં સ્વદ્રવ્ય ઉપર આટલો બધો ભાર આપવામાં આવ્યો છે ખરો? એ પ્રશ્ન અહીં ઉદ્દભવે છે.
જે સ્વદ્રવ્યનો ઉપયોગ કર્યા પછી, તે કરનારના મનમાં અહંકાર જન્મતો હોય અને અન્યને માટે તુચ્છતાની લાગણી જન્મતી હોય, તો તેવા સ્વદ્રવ્યના ઉપયોગ પર ભાર આપી શકાય ખરો? – એમ પણ સવાલ જાગે છે.
શાસ્ત્રોના સંદર્ભે તપાસીએ તો ત્યાં તો સ્વદ્રવ્ય જેવો શબ્દ ભાગ્યે જ જોવા મળે છે. ત્યાં તો એક જ શબ્દ જડે છેઃ ન્યાયદ્રવ્ય. કોઈ પણ ધનસાધ્ય ધર્મકાર્ય શ્રાવક કરે, તો તેમાં તે ધન ન્યાય-નીતિનું ધન હોય તે પર શાસ્ત્રો સતત જોર આપતાં જાય છે. ભગવાનની પૂજા માટે સાત પ્રકારની શુદ્ધિ અપેક્ષિત હોય છે. તેમાં પણ “ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર' એમ જ વર્ણન છે; નહિ કે સ્વદ્રવ્ય. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, શ્રાવકે સ્વદ્રવ્ય વડે પૂજા કરવી જોઈએ, પણ તે સ્વદ્રવ્ય ન્યાયદ્રવ્ય હોવું આવશ્યક છે. જો તે અન્યાયનું ધન હોય તો તે “સ્વદ્રવ્ય' હોય - ન હોય, કોઈ ફરક પડતો નથી. તાત્ત્વિક રીતે તો તે સ્વદ્રવ્ય