________________
૨૮
તા.ર૬ જાન્યુઆરીએ થયેલા વ્યાપક અને વિનાશક ધરતીકંપે વેરેલો વિનાશ આ પળે પણ હૃદયને ધ્રુજાવી મૂકે છે. ઘણા વખતથી લોકવાયકા ચાલ્યા કરતી આવી છે કે, પૃથ્વી પર પાપનો ભાર ખૂબ વધી ગયો છે, એટલે હવે કાંઈક ખરાબ બનશે જ. આ વાયકા જાણે કે વાસ્તવમાં પરિણમી છે. અસંખ્ય જિંદગીઓ નષ્ટ થઈ છે. એથીયે વધુ સંખ્યામાં લોકો અપંગ, તારાજ અને લાચાર બની ગયા છે. મૂંગા જીવોની સ્થિતિની તો કલ્પના જ થઈ શકે તેમ નથી. આ વખતે જૈન પરિવારોને કદાચ સૌથી વધુ હાનિ પહોંચી છે. દેરાસરો વગેરે પણ મોટી સંખ્યામાં ખંડિત થયાં છે.
આપણે ત્યાં કહેવત છે કે “પટ્ટન સો દટ્ટન અને માયા સો મિટ્ટી”. અર્થાત્ કુદરત રૂઠે ત્યારે પાટણ (શહેર) હોય તે દટાઈ જઈને મેદાન બની જાય અને ધન બધું માટી બની જાય. આ કહેવત આજે સાચી પડી છે. શરીર, જીવન, માલ મિલક્ત, પરિવાર - આ બધાં પર ગાઢ આસક્તિ રાખનાર લોકો માટે આ હોનારત એક લપડાક સમાન છે. આમાંની એક પણ વસ્તુ કાયમી નથી. ક્ષણભંગુર છે. કયારે અને કઈ રીતે એ ચીજો ખતમ થઈ જશે તેની કલ્પના પણ અશક્ય જ છે. આ સનાતન સત્ય છે. અને જો આટલું સત્ય સમજાઈ જાય તો માણસ ઘણો હળવો, ઘણો સ્વસ્થ, ઘણો આશ્વસ્ત થઈ શકે. આવડી મોટી કરૂણ દુર્ઘટના બન્યા પછી પણ જો આ સત્ય ન સમજાય તો આપણી જાતને આપણે મૂર્ખ જ કહેવી પડે.
જો હવે આપણામાં જરા પણ શાણપણ બચ્યું હોય તો, ભલે આપણે દીક્ષા ન લઈ લઈએ, પણ આપણી પાસે જેટલી પણ અનુકૂળતા હોય તે પ્રમાણે પરોપકાર અને પરમાર્થ તો કરવો જ જોઈએ. આપણે બધાંનાં આંસુ લૂછી ન શકીએ એ સાચું, પરંતુ હૃદયની પૂરી હમદર્દીથી કોઈક એકાદ જણનાં આંસુ પણ લૂછીએ તો તે પણ ઓછું નહિ ગણાય.
આજના તબક્કે, ધરતીકંપનો ભોગ બનનાર લોકો માટે ધનની કે બીજી ચીજવસ્તુઓની તાતી જરૂર ચોક્કસ હશે, પરંતુ તે લોકોને તેથીયે વધુ જરૂર છે આશ્વાસનની, હૂંફની, સાંત્વનાના શાતાદાયક બે બોલની. આ આપવાની આપણી ફરજ છે, તે આપણે ન ચૂકીએ.
બીજી વાત : આ હોનારત પરથી એક વાત ફલિત થઈ છે કે આવી