________________
૨૬
હમણાં એક વિચાર એવો પ્રવર્તે છે કે આપણા સમાજમાં વાંચન અને સ્વાધ્યાયનું પ્રમાણ બહુ જ ઓછું છે. સોએ દસ જણા કાંઈક સદ્વાંચન કરતાં હોય, કદાચ. વાંચનથી અનેક લાભો થાય છે : દા.ત. ૧. સમય પસાર થાય, ૨. મન જ્યાં ત્યાં ભટકતું અટકે, ૩. જ્ઞાન-જાણકારી વધે, ૪. કર્મો અને પાપનાં બંધન ઘટે. આ તો પ્રત્યક્ષ ફાયદા, લાંબા ગાળાના બીજા ફાયદા તો પાર વિનાના છે.
આટલાબધા ફાયદા થતા હોવાનું જાણ્યા પછી પણ આપણા લોકોને વાંચવાનું કેમ નહીં ગમતું હોય ? ઘણા ભાગે સમય પસાર કરવાનાં માધ્યમો –ટી.વી., છાપાં, સસ્તાં મેગેઝીનો, ઉંઘ, ગપ્પાં અને ઓટલા પરિષદ હોય છે. આ બધામાં નર્યું પાપ બંધાય છે, આત્મા અનર્થદડે દંડાય છે, જીભ અને કાનના નિંદાના અને ગંદા રસો પોષાય છે. પરિણામે મન વિકૃત બને છે, વિચારો હલકા થાય છે, અને જીવનમાં કોઈ સદ્ગુણ આવતો કે વિકસતો નથી. આટલી સાદી વાત જો સમજાઈ જાય તો માણસ સદ્વાંચન જેવી સરસ પ્રવૃત્તિમાં જોડાયા વિના ન જ રહે.
ઘણાની સમસ્યા એ હોય કે વાંચવું તો ગમે, પણ શું વાંચવું? ખબર નથી પડતી.
એમને કહેવાનું કે સર્વપ્રથમ આપણા ચોવીસ તીર્થંકરોનાં ચરિત્રો વાંચવાં. હેમચન્દ્રાચાર્ય મહારાજે એક ગ્રંથ બનાવ્યો છે : ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર. તેમાં ચોવીશે તીર્થકરોનાં ચરિત્રો આવે છે. તેનું સરળ ગુજરાતી ને હિન્દી ભાષાંતર પણ છપાયેલ છે ને તે મળે પણ છે. ચાર ભાગોમાં વહેંચાયેલા આ ગ્રંથ વાંચવાથી ચોવીશ પરમાત્મા વગેરેનાં ચરિત્રો, ઉપદેશ, જૈન ધર્મના મહાન સિદ્ધાંતો તથા તત્ત્વજ્ઞાન, ઈતિહાસ વગેરેની વિશદ જાણકારી પ્રાપ્ત થશે. તો સંકલ્પ કરો આ પળે કે આ ગ્રંથ ગમે ત્યાંથી મેળવીને વાંચીશું અને જીવનને તથા સમયને સાર્થક બનાવીશું.
(પોષ-૨૦૧૭)