________________
૩૩
આરાધનાનો આનંદ અનેરો હોય છે. પરંતુ તે આનંદનો વાસ્તવિક અનુભવ તો અંતરમાં આરાધકભાવ કેળવાય - જાગે તો જ થઈ શકે. આરાધકભાવ એટલે આરાધનાની પરિણતિ. આરાધના કરવી ગમે, આરાધના કરતાં કરતાં હૈયું પુલકિત અને તન્મય બનવા માંડે, આરાધનાને કારણે ચિત્તમાં બાઝેલા ક્લેશો અને મલિન વાસનાઓ તરફ અણગમો ઉપજવા માંડે, તો સમજવું કે આપણને આરાધભાવ જાગી રહ્યો છે. અને એ ભાવ જાગ્યા પછીની આરાધના એટલે કર્મનિર્જરાની, આત્માના કલ્યાણની અને આંતરિક સદ્ગુણોના વિકાસની ઉમદાઉત્તમ પ્રક્રિયા બની રહેવાની.
વિરાધનાનાં કારણો ડગલે-પગલે મળવાનાં. ક્લેશ, નિંદા, કુથલી અને પાપનાં આલંબનો આપણી ચારે બાજુએ સતત ફેલાયેલાં જ હોય છે. પરંતુ એ આલંબનોનો ભોગ આપણે બનીએ એ સાથે જ આરાધના આરાધના મટી જાય અને વિરાધનામાં ફેરવાઈ જાય. પછી કર્મો ચીકણાં બંધાય. પાપો વધતાં જાય. ચિત્ત દુર્ગુણોથી ગંધાઈ ઊઠે.
જિનેશ્વર પરમાત્માનું શાસન પામ્યા પછી આ દશા ક્યાં સુધી નિભાવીશું? વહીવટ, મારું તારું, કજિયા-કંકાસ, છળ-પ્રપંચ અને કાવાદાવા, આ બધું ભવોભવ કરતાં આવ્યા છીએ, અને આ ભવમાં પણ આજ સુધી આ જ બધું કર્યા કર્યું છે.
આજ લગી તો અણસમજમાં અને નાદાનિયતમાં આ બધું ચાલી ગયું. પણ હવે? હવે નથી સુધરવું? નથી સમજવું? આવું દિવ્ય અને શ્રેષ્ઠ ધર્મશાસન મળ્યા પછી પણ એ જ પ્રપંચો ચાલુ રાખવા છે ? યાદ રહે, આ બધી નાદાની જ જો ચાલુ રહેશે તો, ફરીથી આ શાસન નહિ મળે, ફરીથી આવો ભવ પણ નહિ મળે, અને મળશે તો પણ સતત અન્યના કાવાદાવાના ભોગ બનીને દુઃખી દુઃખી જ જીવન મળશે.
એટલે હજી પણ ચેતી જવામાં અને આ બધી જંજાળોને છોડી દઈ આરાધકભાવથી મહેકતી આરાધનામાં પરોવાઈ જવામાં જ ભલીવાર છે. સુજ્ઞ હોય તેને આનાથી વધારે શું કહેવાય? સમજદાર સાનમાં સમજે. અણસમજુને સમજાવવાનું સાહસ તો ખુદ ભગવાન પણ નથી કરતા.
(શ્રાવણ-૨૦૧૭)
વાર્ષિક