________________
૩૭
આપણે ત્યાં એક સામાન્ય અને વ્યાપક ફરિયાદ છે કે અમને જ્ઞાન ચડતું નથી; અમારાં બાળકોને જ્ઞાન ચડે અને યાદ રહે અને આવડે તે માટે શું કરવું? આના જવાબમાં જ્ઞાનની આરાધના અહીં જણાવવામાં આવે છે. રોજ કરવા યોગ્ય આ આરાધના છે, અને તેનો ફાયદો અવશ્ય થાય છે.
એક બાજોઠ પર સાપડો કે થાળમાં જ્ઞાનની ચોપડી પધરાવવી. તેમાં નાની વાટકીમાં વાસક્ષેપ રાખવો. પછી એ પુસ્તકને ફરતી પાંચ પ્રદક્ષિણા સહિત પાંચ ખમાસમણાં દેવાં : એક પ્રદક્ષિણા - એક ખમાસમણું. પ્રદક્ષિણા દેતાં આ દૂહો બોલવો :
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ;
પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.' પછી શક્તિ પ્રમાણે નાણું મૂકીને વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરવી. તે પછી, ઈરિયાવહી કરવી, અને પછી ખમાસમણ દઈ – ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન આરાધનાર્થે કાઉસગ્ન કરૂં? ઈચ્છે, એ પાંચ જ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ, અન્નત્થ - બે સૂત્રો બોલીને કાઉસગ્ગ એકાવન અથવા પાંચ લોગસ્સનો કરવો. લોગસ્સ સાગરવર. સુધી ગણવા. કાઉસગ્ગ પૂર્ણ થયે પારીને લોગસ્સ બોલીને બેસી જવું, અને “ઓ હ્રીં નમો નાણસ્સ' એ પદની પાંચ અથવા વધુ થાય તેટલી માળા ગણવી.
શ્રદ્ધા અને બહુમાન સાથે, તથા “મને જ્ઞાનનો લાભ થજો, મારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થજો' એવા સંકલ્પ તથા પ્રાર્થના સાથે આ આરાધના હમેશાં કરવી. અવશ્ય ફાયદો થશે.
(વાસક્ષેપ વધે – ભેગો થાય તે પાણીમાં પધરાવવો. અને પૈસા સંઘની જ્ઞાનપૂજાની પેટીમાં નાખી દેવા.)
જ્ઞાન અને જ્ઞાની હોય તેની તમામ પ્રકારે આશાતના ટાળવી. બહુમાન અને વિનય કરવાં.
કાર્તિક સુદી પાંચમે જ્ઞાનપંચમી છે. તે દિવસથી આ આરાધના શરૂ કરવી જોઈએ. યથાશક્તિ તપ, ક્રિયા તે દહાડે ખાસ કરવાં.
(કાર્તક-૨૦૫૯)