________________
૪૩
તમારામાંના કેટલાકને બે દહાડા પછી આવતી અખાત્રીજના રૂડા દિને વર્ષીતપની પૂર્ણાહુતિ તથા પારણાં હશે. કેટલાકને નવો લીધેલો વર્ષીતપ ચાલુ પણ હશે. આવો મહાન તપ જે આત્માઓ આરાધે છે, તેમને ઘણાં ઘણાં અભિનંદન તેમજ અનુમોદના ઘટે છે.
શ્રી આદિનાથ દાદાએ આ તપ દીક્ષા લેતાં જ આદરેલું. ચરિત્રોમાં મળતાં વર્ણન પ્રમાણે પૂર્વના કોઈ જન્મમાં દાદાના જીવે મૂંગા પશુઓને આહારનો અંતરાય કરેલો. તેનાથી બાંધેલાં કર્મોના ઉદયને લીધે તેમને ૧૩ માસ સુધી આહાર નહોતો મળ્યો. પરંતુ આ તો પ્રથમ મુનીશ્વર હતા. તેમણે એ અંતરાયજન્ય આપત્તિને આત્મસાધનાના રૂડા અવસરમાં પલટી નાખી અને અપ્રમત્તભાવે તથા ખેદ-ઉદ્વેગ વગર પ્રસન્ન ચિત્તે એ વાર્ષિક તપની સાધના દ્વારા કર્મોને જડમૂળથી ખપાવી દીધાં.
એ પરમાત્માની હોડ આજના આપણા જેવા તુચ્છ મનુષ્યો, એક ઘડી માટે પણ કરી ન શકે. આમ છતાં, એમની સરખામણીમાં તો આપણે અનેક અનેકગણાં અધિક અંતરાયો બાંધ્યા છે. અને હજીયે રોજેરોજ ક્ષણેક્ષણે બાંધે જ જઈએ છીએ. એનું નિવારણ કરવા માટે એ દાદા જેવાં કેટકેટલાં વર્ષીતપ કરવાં પડશે તેની ગમ નથી. છતાં, તેમણે કરેલા મહાતપના આછેરા અનુકરણરૂપે આપણે ત્યાં વર્ષીતપની આરાધના ચાલતી રહે છે. દાદાજીએ સળંગ ૧૩ માસના કરેલ ઉપવાસ જેટલા જ ઉપવાસ કરીએ તો ખરો વર્ષીતપ થાય. આથી કોઈ આરાધકો સળંગ (અથવા અનુકૂળતા મુજબ) બે વર્ષીતપ કરતાં હોય છે કે જેથી ર૬ મહિનામાં ૧૩ માસના ઉપવાસનો આંકડો થઈ શકે.
વર્ષીતપમાં તપસ્યા કરવાનું સરળ છે. પરંતુ તેનો મૂળ - સાચો આશય કે હેતુ જાળવી જાણવો તે કઠિન છે, આજના સામૂહિક તપસ્યાના કાળમાં તો ખાસ. સામુદાયિક તપસ્યામાં બેસણાં સમૂહમાં થવા માંડ્યાં છે હવે. એકમેકનું આલંબન રહે, સૌની અનુકૂળતા સચવાય, આવા આશયો આની પાછળ હોય છે. પરંતુ, સામાન્ય અનુભવ કહે છે કે, આ સામૂહિક તપ અને જમણમાં ક્રિયાશુદ્ધિ નથી જળવાતી. સમૂહમાં નિયત સમયે બેસણું કરવા ગમે તે રીતે એકઠા થઈ શકનારા લોકો, વર્ષીતપમાં નિત્ય પ્રતિક્રમણ અનિવાર્ય હોવા છતાં તે માટે ભેગા થઈ શકતા નથી. પરિણામે જમવા અંગે દરેકની અનુકૂળતા - પ્રતિકૂળતાનો જેટલો ખ્યાલ રખાય છે, તેટલો પ્રતિક્રમણાદિ અંગે રાખવામાં