________________
૩૦
આ વર્ષ જાણે કે આફતોનું વર્ષ છે. દુકાળ, અછત, પાણીની વિકટ સમસ્યા આ બધું તો ગયા બે વર્ષનું ખેંચાતું જ આવે છે. એ ઓછું હોય તેમ ભયાનક ધરતીકંપે વિનાશ વેર્યો. અને હવે વંટોળિયા, માવઠાં અને એવા અન્ય ઉપદ્રવ શરૂ થઈ ગયા છે. ઘડીભર થાય કે આભ જ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું?
જૈન સમાજને આ આપત્તિઓમાં પારાવાર ને અકલ્પ્ય નુકસાન પહોંચ્યું છે. સેંકડો જિનાલયો ધરાશાયી બન્યાં. જિનબિંબો ખંડિત થયાં. ઉપાશ્રયાદિ સ્થાનો પણ ધ્વંસ પામ્યાં. હજારો સાધર્મિક-પરિવારોનાં ઘર અને વ્યવસાયનાં સ્થાનો નાશ પામ્યાં. સૌનો આધાર બની રહેનારા ગૃહસ્થો સાવ નિરાધાર બન્યા. આ બધું કલ્પનાતીત છે.
આની સામે ગુજરાતના અને બહારના જૈન મિત્રોએ તન-મન-ધનથી સહાય પણ અજોડ કરી. એવું સાંભળવા મળ્યા કરે કે જૈનોના આધારે ટકનારા લોકોએ પણ, આવી વિકરાળ આફતની વેળાએ, જૈનોની ભારે ઉપેક્ષા સેવી. હંમેશાં આપીને જ રાચનારા મિત્રો, માગવાનો વખત આવે ત્યારે ઘેરી અમુંઝણ અનુભવતા હોય તે સહજ છે. આવા લોકોને સામેથી મદદ આપવાનું તો બાજુ ૫૨, પરંતુ તેમને ફક્ત તેઓ જૈન હોવાને કારણે જ, મદદ ન મળે તેવી પેરવી કરવામાં પણ ઘણે સ્થળે બહાદુરી સમજવામાં આવી.
અને આનાથી સાવ ઊલટું, જૈનોએ જ્ઞાતિના, ધર્મના કે અન્ય કોઈ પણ જાતના ભેદ પાડ્યા વિના, માત્ર માનવધર્મને કેન્દ્રમાં રાખીને, આફતગ્રસ્તોને શક્ય સહાય કરવામાં પાછું વાળીને જોયું નથી, તે પણ હકીકત છે; અને આ બીના આપણા માટે અત્યંત ગૌરવપ્રદ છે.
તપાસ કરવામાં આવે અને સરવૈયું કાઢવામાં આવે, તો સરકારો,મોટી કંપનીઓ વ.ને બાદ કરતાં, સૌથી વધુ સહાય અને ફાળો જૈનોએ જ મોકલ્યો હોવાનું અવશ્ય બહાર આવે. સ્વૈચ્છિક ફંડ, સ્વૈચ્છિક સંસ્થાઓના ફંડ, સરકારના વિવિધ ફંડો, આ બધામાં એક યા બીજી રીતે સૌથી વધુ દાન જૈનોનું જ હોય તેવું અતિશયોક્તિ વગર કહી શકાય.
અત્યારે તો આવા વિચારો મનમાં ઉભરાતા રહે છે. ધરતીકંપની હોનારત પછી મનુષ્યના ગરવા અને વરવા એમ બંને સ્વરૂપના દર્શન વ્યાપકપણે થયાં છે.
ધાર્મિક