________________
આજકાલ મોટી તપસ્યા વગેરે કરનારનું બહુમાન કરવાનો ચાલ ખૂબ ફાલ્યો ફૂલ્યો છે. જ્ઞાતિઓ, મંડળો, ગ્રુપો, સંસ્થાઓ પોતપોતાના ચોકઠામાં આવતા લોકોનું બહુમાન કરે છે, અને પોતે કાંઈક કર્યાનો સંતોષ માને છે.
બહુમાન અને અનુમોદના - એ બન્નેમાં ઘણો તફાવત છે, એ પાયાની વાત અહીં સમજી લેવી પડે. બહુમાન એ રિવાજ છે, અનુમોદના એ ધર્મ. બહુમાનમાં મહદ્અંશે મારા-પારકાનો ભેદ કરવામાં આવતો હોય છે, જે અનુમોદનામાં અસંભવિત છે. પોતાની જ્ઞાતિ કે સમાજ કે ગામ કે સંઘની વ્યક્તિએ કર્યું હોય તો તેનું બહુમાન કરીશું, પણ તેથી જુદી વ્યક્તિ હશે તો નહિ: આ બહુમાનની વ્યવહારૂ મર્યાદા છે. જયારે અનુમોદના તો વ્યાપક ચીજ છે. એ કરવામાં ગામ, જ્ઞાતિ, સમાજ અને સંઘના ભેદો કદી નડતાં નથી. અનુમોદના ગમે તેના સત્કાર્યની થઈ શકે, અને માટે જ તેને ધર્મનો દરજ્જો મળ્યો છે.
સવાલ એ છે કે અન્યના સત્કાર્યની અનુમોદના કરનારા આપણે; આપણે કોઈ નાનકડું પણ અનુમોદનાપાત્ર બની જાય તેવું સત્કાર્ય કર્યું ખરું? પજુસણ તો આવ્યાં અને ગયાં. તે દરમિયાન, તે પહેલાં કે તે પછી પણ એવું કોઈ સુગંધિત નાનું-મોટું સત્કર્મ આપણાં ખાતામાં જમા થયું કે, જેની અનુમોદના કરવાનું કોઈને મન થાય?
આટલો સવાલ પૂછીને આ પત્રને પૂરો કરું છું. જવાબ મેળવવા શકય ઉદ્યમ કરજો.
(આસો-૨૦૧૬)