________________
૨ ૨
-
સંસારની વાસ્તવિકતા વિશે જેમ જેમ ચિંતન ચાલે છે, તથા અનુભવ થતો જાય છે, તેમ તેમ મન એક બાજુએ અનહદ આશ્ચર્ય પામતું જાય છે, તો બીજી તરફ આવી વરવી સ્થિતિ જાણવા છતાં સંસાર થકી ઉગ કે નિર્વેદ જાગતો નથી તે બદલ મન ઉપર નફરત પણ પેદા થઈ આવે છે.
“સંસારે સુખ લેશ ન દીઠુંએ જ્ઞાનીઓનું વચન નિર્ભેળ સત્ય છે. સુખનો એક પણ અનુભવ દુઃખમૂલક ન હોય તેવું નથી અને સુખના છેડે દુઃખ ના હોય તેવું યે નથી.આ અનુભવ આપણા સૌનો છે, અને પળેપળનો છે. છતાં કૂતરાંને હાડકું ચાવતાં પોતાના જ લોહીની મીઠાશ મળે તે રીતે આપણે દુઃખમાંયે સુખની મીઠાશ માણી શકીએ છીએ.
સુખ દુઃખમય છે. સુખ ક્ષણિક છે. સુખનું પરિણામ દુઃખ જ છે. દુઃખ ન નોતરે તેવું સુખ હજી સુધી (સંસારમાં) સર્જાયું નથી. આટલી વાત જ આપણે સમજવાની છે. છૂટી ન શકે તે તો સમજી શકાય, પણ આ સનાતન સત્ય સમજમાં જ ના આવે તે તો સમજી ન જ શકાય.
સવાલ સમજણનો છે. સમજણ દુઃખને પણ સુખમાં ફેરવી આપે છે. અણસમજણ સુખને પણ દુઃખમાં પલટી આપે છે. આપણે આપણને શ્રેષ્ઠ સમજુ મનુષ્ય તરીકે માનીને ચાલતાં હોઈએ છીએ. જો આપણે ખરેખર સમજુ હોઈએ તો આપણા જેવો સુખી બીજો કોઈ નહિ હોય.
પણ એવું નથી એ હકીકત છે. જો આપણે ખરેખર સુખી થવું હોય, સમજુમાં ખપવું હોય, તો એક જ વાત હવે કરવાયોગ્ય છે. સુખ અને દુઃખની સાચી સમજણ અને તે બેનો વિવેક મેળવી લેવાનાં છે. સુખનો પ્રેમ વધે, તેમ દુઃખ પરનો નિર્વેદ વધશે જ. પણ તે પૂર્વે વિવેક ઊગાડવો અનિવાર્ય છે. આપણે એ માટે મથીશું?
વૈશાખ-૨૦૧૬)