________________
આવી પરિસ્થિતિ આપણા ઘરમાં પણ બની શકે છે. આપણી સાથે પણ થઈ શકે અને આપણા હાથે પણ થઈ શકે છે. “જગત મેં સબ મતલબ કે યાર'. સ્વાર્થ જોખમાતો નથી ત્યાં સુધી આપણા જેવો સુજ્ઞ, વ્યવહારૂ, ડાહ્યો કોઈ નથી. પણ જરા સ્વાર્થને જોખમમાં નાખી (કે નખાવી) જોજો ! પછી ખબર પડશે કે આપણું શાણપણ કેવું અને કેટલું ટકે છે ને કેટલું કામ આપે છે? ઝેરનાં પારખાં છે ભાઈ!
ડાહ્યો છે, જે આવું કાંઈ જ પોતાના જીવનમાં બને તે પહેલાં જ ચેતી જાય અને સ્વાર્થમય - નાશવંત પદાર્થોની, સંબંધોની દુનિયામાંથી પોતાના પગ પાછા ખેંચી લે. મારા જીવનમાં પણ ક્યારેક આવી સ્વાર્થને બહેકાવતી દુર્ઘટના સર્જાઈ શકે. તો તે પહેલાં જ હું ચેતી જાઉં અને મારા સ્વાર્થનો સંકેલો કરવા માંડું, અને ધીમે ધીમે વૈરાગ્યની અને વિવેકપૂર્ણ આત્મજાગૃતિની દિશામાં મક્કમ ડગ ભરવા માંડું, તો શું ખોટું ?
આ છે વિવેકી મનુષ્યને આવતા વિચારો.
સ્વાર્થના, સ્વાર્થને ખાતર નજીકમાં નજીકની વ્યકિતને છેતરવાના, તેનું પડાવી લેવાના, તેને બાવો બનાવી દેવાના, તેને ખોટા રવાડે ચડાવી દેવાના, તેની કોઈક લાચારીનો લાભ લઈ લેવાના, અને ગરજ પત્યે તેને તડકે મૂકવાના પ્રયત્નો અને પ્રવૃત્તિઓ તો ઘણાં ઘણાં કર્યો. હવે પ્રયાસ કરવાના છે આપણો સ્વાર્થ જતો કરવા માટેના સ્વાર્થ ત્યજીને સામાને સુખી કરવાના; લેવાનું ટાળીને અર્પણ કરવા માટેના.
ત્યાગ અને વૈરાગ્ય એ ઘડપણમાં ઊગતા રોગો નથી, પણ શાણપણની ક્યારીમાં ઊગનારા સુગંધિત પુષ્પો છે. જેમ શાણપણને, તેમ ત્યાગ-વૈરાગ્યને પણ કોઈ વિશેષ ઉમર સાથે લેવાદેવા નથી હોતી. સમજુ આદમીમાં એ વહેલાં પણ ઊગી શકે છે. તો એ બે વાનાં જેના જીવનમાં ક્યારેય ઊગે જ નહિ એવા અણસમજુ માણસોનોય દુનિયામાં તોટો તો નથી જ. આપણે કેવા છીએ? વિચારજો.
(ફાગણ-૨૦૧૬)
ધાર્મિક