________________
૧૬
આરાધક આત્માઓ શાશ્વતી ઓળીના દિવસોનો સદુપયોગ કરશે આયંબિલ તપ દ્વારા અને નવપદજી મહારાજની આરાધના દ્વારા. અવિવેકી જનો ગરબા માણશે, અને અશોભનીય ઉન્માદ તથા શરીર-શક્તિ-સમય પૈસાનો દુર્વ્યય કરશે.
-
આરાધના કરનાર પુણ્ય ૨ળશે. ઉન્માદી જીવો પાપ વધારશે.
જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. કરોડો જન્મો વેડફ્યા તથા રઝળ્યા પછી જ આ દુર્લભ જન્મ સાંપડી શકે. આવા દુર્લભ જન્મના થોડાંક વર્ષોને અનુચિત અને અધર્મની પ્રવૃત્તિમાં વેડફી નાખવાનો અંજામ એક જ હોયઃ દુર્ગતિની રઝળપાટ. કામભોગ વહાલાં હોય તેને ભૂંડનો અને ક્રોધમાં જ જીવતા માણસને કૂતરાનો અવતાર - નિરાંતે – મળી શકે. જેને જે બાબત વહાલી હોય, તેને તે પ્રકારની યોનિમાં અવતાર અવશ્ય મળે.
મનુષ્ય-ભવ માત્ર માપદંડ સમાન જન્મ છે. આ જન્મમાં આપણે માપ કાઢવાનું છે કે આપણને શું વધારે ફાવે? અને હવે પછીના જન્મોમાં આપણે કેવા બનવાની આકાંક્ષા છે? અહીંયા જે પ્રવૃત્તિ તથા પરિસ્થિતિ આપણને અધિક ફાવે, તે પ્રવૃત્તિ-પરિસ્થિતિ કરવાનું સહેલાઈથી સાંપડે તેવા જ હવે પછીના જન્મો આપણને મળવાના; અને આપણા એ ગમા-અણગમા પરથી જ આપણને કેવા થવાની આકાંક્ષા છે, તે પણ નક્કી થવાની.
બે પ્રકારના જીવો છે : હળુકર્મી અને ભારેકર્મી.
આરાધનાના દિવસોમાં - સમયમાં પણ વિરાધના સૂઝે અને તેમાં રાજી થાય તે ભારેકર્મી. વિરાધનાની વેળાએ પણ આરાધના કરવાનો ભાવ જાગે, કરીને રાજી થાય તે હળુકર્મી. નવરાત્રિ એ વિરાધનાની મોસમ છે. તેમાં પણ આંબેલ તપની આરાધના ગમે તે હળુકર્મી હોવાની પૂરી શક્યતા ગણાય.
આપણે જે જન્મ-ધર્મ અને તે અંગેના સંજોગો પામ્યા છીએ, તેનો જરા ખ્યાલ કરીએ તો, ઓછામાં ઓછું, વિરાધનાથી અને તેનાં કારણોથી તો આપણે અવશ્ય બચી શકીએ.
આરાધક તરે છે, વિરાધક મરે છે.
(આસો-૨૦૫૫)