________________
૨)
વિહાર એ સાધુજીવન માટે એક યાત્રાની ગરજ સારનારી ક્રિયા છે. યાત્રા માટે થઈને વિહાર ન હોય, પરંતુ સંયમની આરાધના ખાતર થતો વિહાર આપમેળે યાત્રારૂપ બની જતો હોય છે. નવાં નવાં ગામોમાં જવાનું, ત્યાંનાં સૈકાઓ જૂનાં જિનાલયો તથા તેમાં બિરાજતાં જિનબિંબો જુહારવાનાં, અને એ રીતે તીર્થયાત્રાનો લાભ લઈ લેવાનો. કેવું મજાનું સંયોજન! અમે આ વિહારમાં આવાં અનેક તીર્થોની યાત્રા પામ્યા. બધી વાત તો આ નાના પત્રમાં લખવાનું શક્ય નથી. પણ એક બે વાતો વર્ણવું :
૧. સાંતલપુર એટલે વાગડનું નાકું ગણાય, ત્યાંથી રણ ઓળંગીને કચ્છમાં જવાય. ત્યાં ત્રણ પુરાણાં જિનાલયો. એમાં સુમતિનાથ-જિનાલયમાં ડાબા ગભારામાં શાંતિનાથજીનું બિંબ છે. તે આશરે બારમા સૈકાનું લાગે છે. તે બિંબના દેહ પર મોટી તિરાડો દેખાય છે. એમ શાથી છે? એવી જિજ્ઞાસાના સમાધાનમાં જાણવા મળ્યું કે, રાધનપુરના મુસ્લિમ નવાબે આ બિંબને ખંડિત કરી ફેંકી દીધું હતું. તે રાતથી તેના મહેલમાં ઘોર ઉલ્કાપાત શરૂ થઈ ગયો. નવાબને ત્રાસ ત્રાસ થવા માંડ્યો. છેવટે તેને સલાહ મળી અને તે પ્રમાણે તેણે પ્રતિમાના તમામ નવેનવ ટુકડા સંઘને સુપ્રત કર્યા એટલે તેને થતો ત્રાસ બંધ થયો. સંઘને સંકેત મળ્યો અને તે પ્રમાણે ઘીની લાપસીમાં તે નવ ખંડોને ગોઠવીને ઢાંકી દીધા. નવ દહાડા પછી જ જોવા-ખોલવાનું હતું તેને બદલે એક દિવસ વહેલું ખોલી દેવાથી પ્રતિમા સંધાઈ જવા છતાં તિરાડો રહી ગઈ ! હવે તેને ગમે તેવો લેપ કરે તો પણ તે સાંધ પૂરાતી નથી.
૨. વારાહી ગામ પણ બહુ પુરાણું સરહદી ગામ છે. ત્યાં નજીકના ખેતરમાં તેનો માલિક ખોદકામ કરતો હશે તેમાં પિત્તળની આશરે ત્રણેક ફૂટ ઊંચી શાંતિનાથ પ્રભુની અલૌકિક પ્રતિમા મળી આવી. એ પ્રતિમા અંદરથી પોલી છે. અમને જાણવા મળ્યું કે આ પ્રતિમાના પોલાણમાં બીજી ૧૧, ધાતુ પ્રતિમાઓ ગોઠવેલી હતી, તે સાથે આ પ્રતિમાને ઊંધી (માથું નીચે, બેઠક ઉપર) હાલતમાં