________________
એક મુદ્દો ચર્ચવા જેવો છેઃ જિનબિંબોની અને તેમની પૂજાની શી જરૂર છે? બિંબ-પૂજા વિના ન ચાલે? જેઓ મૂર્તિપૂજામાં નથી માનતા તેવા પણ ઘણા જૈનો છે અને તે બધા સુખી છે, નવકાર ગણે છે. શું તેમનું કલ્યાણ નહીં થાય? તેમનો મોક્ષ નહિ થાય? - તો આપણે ત્યાં પૂજા ઉપર આટલું બધું જોર શા માટે દેવાય છે?
આવા પ્રશ્નો ઘણાના મનમાં ઘણીવાર ઊગતા હોય છે. આજના પત્રમાં આ વિશે થોડીક વાતો કરવી છે.
આપણે જૈન છીએ, જૈન એટલે જેના દેવ “જિનેશ્વર છે તે. જિનેશ્વર અથવા જિન એટલે જેમણે પોતાના આત્મામાંથી રાગ, દ્વેષ તથા અજ્ઞાન – એ ત્રણ મલિન તત્ત્વોને સર્વથા નાબૂદ કર્યા હોય છે.
જિન” એ કોઈ ચોક્કસ વ્યક્તિ કે ઈષ્ટદેવનું નામ નથી; ઉપરોક્ત ત્રણ અશુભ દોષોને જે વ્યક્તિ નાબૂદ કરી શકે તે “જિન” થઈ શકે, હું પણ થઈ શકું, તમે પણ થઈ શકો, કોઈ પણ આત્મા “જિન” થઈ શકે.
વળી, પોતાના તે ત્રણ દોષો મટાડવા એટલું જ તે “જિન” થનારનું કર્તવ્ય છે એવું નથી. તેઓ પોતે તો પોતાના તે દોષો મટાડે જ, સાથે સાથે આપણને તે દોષો મટાડવાની પ્રેરણા પણ તેઓ આપે, અને વધુમાં તે માટેનું યથાર્થ-સાચું માર્ગદર્શન પણ આપે.
આપણે રસ્તે ચાલતાં ભૂલા પડીએ, તો તે વખતે આપણને સાચો રસ્તો બતાડનાર વ્યક્તિ-ભોમિયાને આપણે આપણો ઉપકારી સમજીએ છીએ, અને ઓછામાં ઓછું તેનો આભાર તો માન્યા વિના નથી જ રહેતા.
બરાબર એ જ રીતે આપણે ઉપરોક્ત દોષોથી છલકાતી ભવાટવીમાં રસ્તો ભૂલ્યા ત્યારે આપણને તે દોષોથી મુક્ત કેવી રીતે થવું અને સાચા માર્ગે કેવી રીતે પાછા ચડી જવું, તેનું માર્ગદર્શન શ્રીજિનેશ્વર પરમાત્માએ આપણને આપ્યું છે. હવે, આવું માર્ગદર્શન આપનારનો આભાર માનવો એ આપણો શિષ્ટાચાર ખરો કે નહિ? આપણું કર્તવ્ય ગણાય કે નહિ?
પરમાત્માની પૂજા એટલે એમનો, માર્ગદર્શન આપવા બદલ, આભાર માનવાની ચેષ્ટા. . એમણે માર્ગ ન દર્શાવ્યો હોત, તો આજે આપણે અહીં છીએ તે ન હોત,
ધાર્મિક