________________
નહિ માનનાર માટે તરવાનું મુશ્કેલ છે. તમે સાધનાની કોઈ જુદી જ ભૂમિકામાં હો, કે સાધુપદ ધરાવતા હો, અને પૂજા ન કરો, ન કરી શકો, તો તેથી તરવામાં રૂકાવટ ન આવે. પરંતુ સાધના કે સાધુતાના નામે મીંડું હોય, અને માત્ર પોતાની વિવેકવિહોણી કે કુળપરંપરાગત માન્યતાને આગળ ધરીને પૂજાનો ઈન્કાર કે નિષેધ કે વિરોધ કરવા માંડે, તો તેને માટે તરવાનું અથવા તેનું કલ્યાણ થવાનું અતિમુશ્કેલ સમજવું.
આ જિનશાસનમાં આત્મસાધનાના અને સ્વકલ્યાણના અઢળક યોગો છે. તે પૈકી કોઈ પણ યોગ કે યોગોના આલંબન વડે આત્મા તરી જશે. પરંતુ તરવા માટે ઉત્સુક એવો તે આત્મા, પોતે આદરેલા યોગ/યોગો સિવાયના અન્ય યોગ/ યોગોનો નિષેધ કે વિરોધ કદી નહિ કરે. પોતે સ્વીકારેલું સાધન સાચું, પણ અન્યનું આલંબન ખોટું - એવું તો તે ન જ કહે. યાદ રહે, આ શાસનમાં જ્ઞાનીદીઠા એક પણ યોગ કે આલંબનનો ઈન્કાર અગર તિરસ્કાર નથી. અને તેવો તિરસ્કાર કરનારો આત્મા આ શાસનનો યથાર્થ આરાધક નથી.
એટલે મૂર્તિપૂજા ખોટી છે, કરવાની અનાવશ્યક છે, આવું માનનારા માટે તરવાનો અવકાશ જરા ઓછો અને વિકટ, તે સમજી રાખવું ઘટે અને આવું માનનારાઓની વાતમાં ભૂલભૂલમાં પણ ફસાઈ ન જવાય તેની વિવેકીએ ચીવટ પણ રાખવી જ ઘટે.
(ચત્ર-૨૦૧૫)