________________
૧૪
આજે દીક્ષા વિશે કાંઈક ચિંતન કરીએ. “દીક્ષા' શબ્દ, આમ તો, ભારતના તમામ ધર્મો અને સંપ્રદાયોમાં પ્રસિદ્ધ છે. દીક્ષા એ ગુરુઓ તરફથી શ્રેયાર્થી આત્માર્થી શિષ્ય અથવા સાધકને પ્રાપ્ત થતી આંતરિક કે આત્મિક પરિવર્તનની એક સમર્થ પ્રક્રિયા છે. દીક્ષા પ્રાપ્ત થતાં જ સાધક કે મુમુક્ષુના હૃદયમાં, જીવનમાં, તેનાં ચૈતસિક આંદોલનોમાં એક જબરદસ્ત ફેરફાર આવે છે, જે એને એના બદલાયેલા અને ઈચ્છેલા જીવનલક્ષ્ય તરફ આગળ ધપવામાં મહત્ત્વપૂર્ણ પરિબળ બની રહે છે. આ ફેરફારને સમજી શકે, પકડી શકે, તો દીક્ષાર્થી મેદાન મારી જાય.
કોઈ વ્યકિત કે વ્યક્તિઓની દીક્ષા નિષ્ફળ જતી જો દેખાય તો તેનું ખરું. રહસ્ય આ જ કે ગુરુઓએ તેમને અર્પણ કરેલી એક રહસ્યમય પરિવર્તનપ્રક્રિયાને સમજવામાં અને પકડવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. જો એ પ્રક્રિયાને પકડી શકે તો દીક્ષા કદીય એળે જાય જ નહિ.
આપણે જૈન ધર્મની દીક્ષા વિશે જ વાત કરીએ “દીક્ષા' નો શબ્દાર્થ છે : જે દીનતાનો ક્ષય કરે તે દીક્ષા'. આપણામાં કેટકેટલી દીનતા ભરેલી છે. થોડાક નમૂના જોઈએ
૧. આ મારી વસ્તુ છે, મને જ જોઈએ, નહિ તો હું જોઈ લઈશ. ૨. મેં એને માટે આટઆટલું કર્યું છતાં એણે મને શો બદલો આપ્યો? ૩. એણે મારી સામે જોયું પણ નહિ. હું પણ હવે એને નહિ બોલાવું. ૪. મારું આટલું કામ કરી આપોને ! તમારો અહેસાન કદી નહિ ભૂલું. તમે કહેશો તેમ કરીશ. પ. અરે, એમની વાત જ થાય નહિ. એમના જેવી આવડત ને ભલાઈ તો ભલભલામાં જોવા ન મળે !
આવા આવા અઢળક નમૂના અહીં પેશ કરી શકાય. આ બધામાં વર્તતું. એક સમાન તત્ત્વ તે દીનતા : લાચારી. આપણી લાચારી જ કોઈની ખોટેખોટી ખુશામત કરાવે છે. તો કોઈ આપણી વ્યર્થ ખુશામત કરે ને આપણે વગર કારણે હરખાઈએ તો તે પણ લાચારી જ છે, આપણી. લાચારીને કારણે કેટલા બધા પાસે હાથ ધર્યો ? કેટલાની ગાળો ને અપમાન વેઠ્યાં? કેટલા ઈન્ટરવ્યુ આપ્યા અને કેટલા ધક્કા ખાધા? હવે તો બસ કે ટ્રેનની ટિકીટ રિઝર્વ કરાવવા માટે પણ દીનતા આચરવી પડે છે અને એકાદ નાનકડી લૉન મેળવવા માટે પણ
ધાનિક