________________
૧૧
જિનમંદિર અને જિનબિંબ - એ બંને, આમ તો, પ્રતિકૃતિ સ્વરૂપ જ ગણાય. પરમાત્માના સમવસરણનું પ્રતીક તે જિનમંદિર, અને સ્વયં પરમાત્માની પ્રતિકૃતિ એટલે જિનબિંબ.
પરંતુ આ બંને ચીજો એક આગવી ખૂબી ધરાવે છે. આ બંનેનું અહોભાવપૂર્વક દર્શન કરીએ તો તેથી આપણું સમ્યકત્વ નિર્મળ, વિશુદ્ધ બની જાય છે.
એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આપણા જિનશાસનમાં સમ્યક્ત્વ એ સર્વોપરી અગત્ય ધરાવનારું તત્ત્વ છે. સત્યની ઉપાસના માટેની બળકટ રુચિ તે જ સમ્યકત્વ. કદાગ્રહ, અવિવેક અને દૃષ્ટિરાગ થકી બચાવી શકે તે જ સત્ય. આવા “સત્ય” સ્વરૂપ સમ્યત્વની રૂડી ઉપાસના કરવી હોય તો હૃદયમાંથી અહંભાવ મિટાવવો પડે, અને અહોભાવ વિકસાવવો પડે.
સત્ય તત્ત્વ પ્રત્યેની રુચિમાં જ્યારે અહોભાવ ભળવા માંડે, ત્યારે સમ્યક્ત્વ અનાયાસ ઊગી નીકળે. અહોભાવના પ્રાગટ્યનાં ઘણાં આલંબનો છે, તેમાં મુખ્ય આલંબન છે – જિનબિંબ અને તેની પૂજા.
જિનબિંબને જ્યારે સાક્ષાત પરમાત્માના સ્વરૂપે આપણે જોવાનું શીખી જઈએ છીએ, ત્યારે આપણું હૈયું એક વિશિષ્ટ પ્રકારના અહોભાવથી મહેકી ઊઠે છે. એ અહોભાવને લીધે પરમાત્મા પ્રત્યે હૈયામાં ભક્તિ જાગે છે, તો જાત પ્રત્યે એક પ્રકારનો પરિતોષ પણ જાગે છે કે હાશ, મને આવા સરસ સરસ ભગવાન મળ્યા! આ અહોભાવ અને આ પરિતોષ જેમ જેમ વધતો જાય તેમ તેમ આપણું સમ્યકત્વ દઢ તથા નિર્મળ બનતું જાય.
પ્રતિમારૂપે પરમાત્મા મળે છે – પુણ્યથી. પૂજા કરવાનું ગમે છે – પ્રભુ પ્રત્યેના અહોભાવથી
સમ્યક્ત્વની પ્રાપ્તિ કે નિર્મળતા સધાય છે – અહોભાવપૂર્વક પરમાત્માની પૂજા કરવાથી.
આ અને આવા અગણિત લાભો, પોતાને તેમ જ અન્ય અસંખ્ય આત્માઓને, પ્રાપ્ત થવામાં નિમિત્ત બને છે - પ્રતિમા તેમ જ પ્રભુનું મંદિર નિર્માણ કરનાર પુણ્યાત્માઓ.
ધાર્મિક