________________
તે નક્કી વાત છે. એમણે દેખાડેલા રસ્તે ચાલવાથી જ આપણે આજે અહીં - મનુષ્યભવ - સુધી પહોંચી શક્યા છીએ.
હવે આવા ઉપકારી અને માર્ગદર્શન પ્રત્યે આભારની તથા કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે આપણી પાસે કયો ઉપાય છે? જિનેશ્વર તો માર્ગ દેખાડીને તેમ જ માર્ગ પર ચાલવાની રીત શીખવાડીને પરમપદે ચાલ્યા ગયા. હવે આપણે એમના પ્રત્યેનો આપણો ભાવ શી રીતે પ્રદર્શિત કરવો?
આપણી આ મૂંઝવણનો ઉકેલ વિચક્ષણ જ્ઞાની ભગવંતોએ આ રીતે લાવી આપ્યો કે ભલા, પરમાત્માની પ્રતિકૃતિ અર્થાત્ પ્રતિમાનું નિર્માણ કર; તેને સાક્ષાત પરમાત્મા તરીકે જોવા માંડ, અને તારી પાસે હોય તે બધું જ - તન, મન, ધન - તેના ચરણોમાં સમર્પણ કરી દે. આથી એમની પૂજા પણ થશે, તારું કર્તવ્ય પણ પળાશે; અને તને પુણ્યાનુબંધી પુણ્ય જેવો લાભ થશે તે લટકામાં.
પરમાત્માની પ્રતિમા રચવાનું અને તેની પૂજા કરવા માટેનું આ છે મુખ્ય કારણ. આ કારણને બરાબર સમજીએ, અને પરમાત્માએ આપણને જે આપ્યું છે, પમાડ્યું છે, તેને બરોબર લક્ષ્યમાં લઈને તેમની પૂજાનો અહોભાવ અંતરમાં વિકસાવીએ.
(મહા-૨૦૧૫)