________________
2
મનમાં સતત અને હંમેશા રમ્યા કરતો એક ભાવ આવો છે : આપણે કેટલા બધા બડભાગી છીએ કે આપણને પરમાત્માનું પુનિત શાસન પ્રાપ્ત થાયું છે ! આત્માનું કેવળ કલ્યાણ થાય આ શાસન વડે આપણું અને આપણા દ્વારા અન્યોનું કલ્યાણ થાય તેવી અદ્ભુત યોજના આ લોકોત્તર જિનશાસનના જ્ઞાનીઓએ કરી આપી છે, દેખાડી છે.
આવું અત્યંત હિતકર શાસન મળ્યા પછી તેની આરાધના કરવામાં એટલે કે, શાસનમાં દર્શાવેલી રીતે સ્વ-પરનું હિત સાધવામાં જેટલો પ્રમાદ આપણે કરીએ તેટલો આપણને ગેરફાયદો જ થાય. સંસાર છે એટલે પાપ પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરવાની. પ્રમાદ અને વિરાધના પણ સદાય ચાલે જ. પરંતુ એ બધી જંજાળોમાં પણ, ધીરે ધીરે, પાપભીરુતા વધારતાં જવું, એટલે કે, જીવનના વ્યવહારોમાં પાપ તથા અનિષ્ટો કેમ ઓછાં થાય અને નિષ્પાપ તથા ધર્મપરાયણ જીવન કેમ ગાળી શકાય, તેની સમજણ વધારતાં રહેવું, અને તે સમજણપૂર્વક જીવન વીતાવવાનો ઉદ્યમ કરવો, એ આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય લાગે છે.
નહિ તો, શ૨ી૨ની માવજતમાં, પૈસા ભેગા કરવામાં અને ભોગ-વિલાસ તેમજ મોજ-શોખને પોષતાં જ રહેવામાં પુણ્યનો ક્ષય થાય છે, પાપ વધ્યે જ જાય છે, અજ્ઞાન અને પ્રમાદને કારણે સંસારની જંજાળો જ વહાલી લાગતી રહે છે અને છોડવાનું ગમતું નથી; પરિણામે દુઃખ, દુર્ગતિ અને દુર્ભાગ્યને જ આમંત્રણ આપવા જેવું થતું રહે છે.
અનુપમ એવું જિનશાસન પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણી આ જ સ્થિતિ રહે અને થતી રહે, તો આપણા જેવો અયોગ્ય કોણ ગણાશે?
ના, આપણે અયોગ્ય નથી ઠરવું, આપણે શાસનને માટે વધુ લાયક બનવું છે અને એ લાયકાત વધુને વધુ ધર્મ આરાધના દ્વારા તથા પાપભીરુતા કેળવવા દ્વારા પ્રાપ્ત કરવી છે, એવો આપણો નિર્ધાર હો!
(પોષ-૨૦૫૫)