________________
ઘણા પોતાના મકાનનું નામ “અરિહંત', “મહાવિદેહ', કે “નવકાર’ એવું રાખે છે. હવે જો તેમને અંત ઘડીએ “અરિહંત' શબ્દ સાંભળવા મળે અને ત્યારે પરમાત્માને બદલે પોતાનું મકાન યાદ આવી જાય, ને તે પળે જ જીવ ઊડી જાય, તો શું પરિણામ આવે ? તે હવે સમજવું અઘરું નહિ રહે.
તો આવા કિંમતી ભવને પણ જો આપણે જાળવી ન જાણીએ, અને આસક્તિ, કલેશ, વેરઝેર, માતારું, ઈર્ષ્યા-દ્વેષ આ બધામાં જ વેડફી મારીએ, તો આપણી શી સ્થિતિ થવાની? શાણા માણસ માટે આ સમજવું જરા પણ કઠિન નથી. માત્ર જેટલું વહેલા સમજીશું, તેટલા વધુ ઉન્નત અને ઉજમાળ થઈશું, તથાસ્તુ !
(ફાગણ-૨૦૧૪)
એક હૃદયંગમ બોધકથા અરબસ્તાનનો એક અમીર, વારે-પરબે મહેફિલ યોજે અને અમીર-ઉમરાવોને નોતરી મિજબાની આપે. આવી એક મહેફિલમાં એણે તાજી કાકડી મંગાવેલી. તેનો એક વફાદાર ગુલામ કાકડીના સુઘડ પતીકાં કરી, ચાંદીની રકાબીઓમાં ગુલાબની પાંદડીઓ ઉપર ગોઠવી, તે પર સરસ મરી મસાલા છાંટીને બધા મહેમાનોને પીરસવા માંડ્યો. અમીરના કહેવાથી છેલ્લે વધેલી એક રકાબી તે ગુલામે પણ લીધી. થોડી પળો વીતી ત્યાં તો ત્રણ ચાર અમીરો એકીસાથે બોલી ઊઠયાઃ અરે, આ તો ભારે કડવી છે યાર! નહિ ખવાય. ત્યાંજ અમીરની નજર પેલા ગુલામ પર પડી. તો તે તો મોજથી કાકડી આરોગતો હતો! અમીરે પૂછયું: અલ્યા, તારી કાકડી કેવી છે? ગુલામ કહે : માલિકી આવી મીઠી કાકડી તો મેં મારી જિંદગીમાં નથી ચાખી. અદ્દભુત ! અમીરને થયું કે ગુલામ ફાવી ગયો ને અમે રહી ગયા. તેણે આદેશ છોડ્યો: લાવ, તારી રકાબી મને આપ, મને પણ એ કાકડી ચાખવા દે. ગુલામે કહ્યું : માલિક! માફ કરો, આવી મીઠી કાકડી તો હું જ ખાવાનો. તમને શેનો આપું? અમીર રોષે ભરાયો : મારા હુકમનો અનાદર? લાવ, આપે છે કે નહિ? માલિકના રોષ આગળ ગુલામનું શું ચાલે? તેણે કમને કાકડી અમીરને આપી. અમીરે ઝાપટ મારીને લીધી ને કાકડી મોમાં નાખી. બીજી જ ક્ષણે તે ઘૂ ઘૂ કરતા ઘૂંકવા માંડ્યો. કહ્યું : અબે ! આ ઝેર જેવી કાકડી છે ને તું એને મીઠી કહે છે? આવું જૂઠ?
ગુલામે હસતાં હસતાં કહ્યું : “માલિક ! વર્ષો સુધી તમે મને મીઠાં મીઠાં ફળ ખવરાવ્યાં છે. કોઈ વખત કોઈ કાકડી કડવી પણ આવી જાય, તો શું આટલાં વર્ષોમાં આરોગેલાં મીઠાં ફળોની મધુરતા, એકાદ કાકડીની કડવાશને મીઠાશમાં બદલી ન શકે?
ગુલામની વાત સાંભળતાં જ શાણા અમીરે વિચાર્યું કે આ જિંદગીમાં ખુદાની રહેમથી આપણને અઢળક સુખો મળ્યાં છે. એમાં કદીક એકાદું નાનું – મોટું દુઃખ આવી જાય તો તેનો સહજ ભાવે સ્વીકાર આપણે ન કરી શકીએ? દુઃખની કડવાશને મીઠાશમાં બદલી ન શકાય?