________________
નવું વર્ષ ઝડપભેર આવી રહ્યું છે, ત્યારે તેની શુભેચ્છાઓ અને શુભાશીષો તો હોય જ, પરંતુ તે સાથે એવો પણ વિચાર મનમાં ઝબકે છે કે એક વર્ષ ઓછું પણ થયું જીવનમાંથી. આવનારા વર્ષનું સ્વાગત ભલે કરીએ, પણ એક વર્ષ ઓછું થયું તેનું શું ?
વર્ષે વર્ષે, એક વરસ ઘટે છે અને નવું વરસ ઉમેરાય છે. આમ ને આમ જીવનમાંથી મહામૂલાં વરસો ઓછાં થતાં જાય છે. ત્યારે આપણે એક જ વિચાર કરવાનો છે કે આટલાં વર્ષોમાં મેં, મારામાં સમ્યગુ જ્ઞાનની વૃદ્ધિ થાય, જ્ઞાનની આરાધના દ્વારા મારા કર્મો પાતળાં પડે, મારી ધર્મશ્રદ્ધા દઢ અને પાછી વિવેકસભર બને તેવું શું કર્યું? કેટલું કર્યું?
દર વર્ષે ૧૦૦ ગાથા નવી કરવી એવો મારે નિયમ ખરો? જે આવડે છે કે શીખું છું તેના સાચા ઉચ્ચાર મને આવડે છે? તે માટે કોઈનું અધિકૃત પ્રમાણપત્ર તથા માર્ગદર્શન લીધું? જ્ઞાનની આરાધનાર્થે ૫૧ અથવા છેવટે ૫, લોગસ્સનો કાઉસગ્ન કરવાનું મને ગમે છે? કરું છું ખરો? ઘરમાં એક બાજઠ પર શ્રુતજ્ઞાનની - બે પ્રતિક્રમણની ચોપડી પધરાવી તેની ફરતે પાંચ કે ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણ ખમાસમણ “ઓ હ્રીં નમો નાણસ્સ' એમ બોલીને કે જ્ઞાનના દૂહા બોલીને હું ને મારા ઘરનાં બધાં જણ દઈએ છીએ ખરા ? એ પુસ્તક પર ઘરનો દરેક સભ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે રોજ કાંઈને કાંઈ રકમ મૂકીને વાસક્ષેપ વડે જ્ઞાનપૂજા કરે છે ખરો? મેં આખા વર્ષમાં શ્રુતજ્ઞાનના રક્ષણ, લેખન, પ્રકાશન, અધ્યયન વ. માટે કેટલી રકમ વાપરી ? પાઠશાળામાં ભણવાની ચોપડીઓ, સાપડા, પુંઠા, પેન્સિલ કે એવાં અન્ય સાધનો જોઈતાં હોય તો તેની તપાસ કરીને તેમાં મારાથી શકય એટલો પણ ફાળો આપ્યો કોઈવાર? એક વ્યક્તિ ઓછામાં ઓછી બે કે પાંચ બુકો, સાપડાનો ખર્ચ આપે, તો પાઠશાળામાં કોઈ ચીજની તંગી ન પડે તે નક્કી.
જ્ઞાનની આરાધના માટે જાત વડે તેમ જ ધન વડે આવું ઘણું ઘણું કરી શકાય. પ્રત્યેક સમજુ જીવે પોતાના આત્માને આ પ્રશ્નો પૂછવા ઘટે અને આ માટે યથાશક્તિ પ્રયત્નો કરવા જ ઘટે.
નૂતન વર્ષારંભ બાદ સૌપ્રથમ આરાધના આવે છે જ્ઞાનપંચમીની. એનાં બીજાં નામો છેઃ શ્રુતપંચમી અને સૌભાગ્ય પંચમી. શ્રુત-જ્ઞાન વડે જ સૌભાગ્ય વધે તે ન ભૂલવું. લોકો લાભપાંચમ તરીકે ઊજવે છે. પણ ખરો લાભ જ્ઞાનનો જ ગણાય તે યાદ રાખવું ઘટે.
જ્ઞાનપાંચમે તમારે ત્યાં જ્ઞાનભંડાર કે લાયબ્રેરી હોય તો તેને સાફ કરવામાં ભાગ લેજો. જીવહિંસા ન થાય તે રીતે સફાઈ થવી જોઈએ. પાઠશાળા માટે કાંઈક ભોગ આપજો. નવું કાંઈક ભણજો , શીખવાનું આદરજો.
(કાર્તિક-૨૦૧૫)
ધાર્મિક
?