________________
સહુથી વધુ મૂલ્યવાન અને અત્યંત દુર્લભ મનાતી ચીજને વેડફી નાખવા બદલે ચન્દ્રક આપવાનો જો ઉચ્ચ કક્ષાએ નિર્ણય થાય, તો તે આપણને જ મળે તે નક્કી. કેમ કે માનવભવ જેવી અતિશય મોઘેરી ચીજને વેડફી નાખવાની હોડમાં આપણી સામે કોઈ જ ટકી શકવાનું નથી.
માનવભવની કિંમત જેને ન સમજાઈ હોય, અથવા તેની કિંમત ન સમજાવે તેવું જૈન શાસન જેને ન મળ્યું હોય, તેવા લોકો આ જિંદગીને વેડફે તો તે હજી ક્ષમ્ય ગણાય; ઈનામને પાત્ર તો ન જ ગણાય. ઈનામને પાત્ર તો તે જ ગણાય કે જેને આ ભવની કિંમત સમજાવનારું શાસન મળ્યું હોવા છતાં જે આવા મોંઘા ભવને ધૂળમાં ઢોળી શકે; અને એવી પાત્રતા આપણા સિવાય કોનામાં હશે ?
દુર્લભ એવા આ જીવનને મેળવ્યા પછી જે કરવા જેવું છે તેને આપણે ભૂલી ગયા છીએ, અને જે ખરેખર ભૂલવાનું તથા છોડવાનું છે તેને આપણે વળગી બેઠા છીએ.
આ જીવનમાં આપણે કરવા જેવું કામ છે : આપણામાં સદ્ગણોનો વિકાસ કરવાનું કામ, આપણામાં પાંગરેલા કે પછી વકરેલા દુર્ગુણોને ઘટાડવાનું કામ. જીવનમાં માનવીય, નૈતિક અને પછી આધ્યાત્મિક સગુણોની પ્રાપ્તિ ન કરીએ, અને તેનો વિકાસ ન સાધી શકીએ, તો કરવા જેવું કામ કરવાનું ચૂકી ગયા જ ગણાય.
આપણે કેવા વિચિત્ર છીએ! જે દુર્ગુણોથી ખરેખર આપણે બચવાનું છે તે જ દુર્ગુણોને આપણે વધારતા જ જઈએ છીએ. આપણા ગુસ્સાનો કોઈ પાર નથી; અભિમાન અને હુંપદ તો જાણે આપણી પ્રકૃતિ છે !; ખોટું જ બોલવું, ખોટું જ કરવું, અને છતાં સારાનો દાવો ગાઈ વગાડીને કર્યે રાખવો, એ આપણને જાણે કે કોઠે પડી ગયું છે; અને આપણી આસક્તિ કેટલી બધી ઘેરી અને પ્રબળ છે!
મને બધા સારો કહે; હું કોઈ દિવસ ભૂલ કરું જ નહિ; ભૂલ કરું તોય કોઈથી મને ટોકાય નહિ; હું જે કરું કહું અને ખુલાસો કરું તે બધાએ સ્વીકારી લેવાનો; અને મને ગમે ત્યારે ગમે તેની ભૂલ કાઢવાનો, વખોડવાનો હક્ક ! એ પણ સૌએ માન્ય જ રાખવો પડે. નહિ તો મારી હટી જાય અને બધાનું બગાડી જ મૂકું હું.
હાર્ષિક