________________
૨૩
મહુવામાં પૂજ્યપાદ પરમગુરુ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીદાદાના જીવનનું ચિત્રમંદિર અનુપમ બન્યું. તેના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ અદ્ભુત ઉજવાયો. જીવનમાં પરમગુરુની ભકિતનો એક અવિસ્મરણીય અને પરિતૃપ્ત કરનારો આ સંયોગ બન્યો. તે ચિત્રોનો ગ્રંથ એવો તો નયનરમ્ય બન્યો કે તેની ૧૩૦૦ જેટલી નકલો તો તે જ દિવસે ઉપડી ગઈ!
મહુવાથી પાલીતાણા આવ્યા : અખાત્રીજના પારણાં માણ્યાં, અને ગિરિરાજની યાત્રા પણ કરી. ગિરિરાજનું અને આદિનાથદાદાનું દર્શન, સાંનિધ્ય આપણા ચિત્તને કેવી અનેરી શાતા – શાંતિ બક્ષે છે! વારંવાર થતી આ અનુભૂતિ આ વેળા પણ થઈ. ત્યાંથી ભાવનગર આવ્યા, આઠેક દહાડા સ્થિરતા કરીને જુદા જુદા ઉપાશ્રયોમાં વિચરવાનું બન્યું. અને હવે પાછા વિહારમાં છીએ. બોટાદ થઈ તગડી, અને ત્યાંથી ૧૦ જૂન આસપાસ અમદાવાદ.
આ વખતના વિહારમાં ત્રણ વાતો મહત્ત્વપૂર્ણ રહી. ૧ નવાં નવાં ક્ષેત્રો તથા તીર્થક્ષેત્રોના ઉત્તમ જિનાલયો - જિનબિંબોની યાત્રા થઈ. ૨. અનેક સાહિત્યસેવી અને વિદ્વાન સાક્ષરોનો મનભાવન સત્સંગ થયો. ૩. અનેક નવા નવા, પરિચિત-અપરિચિત વિદ્વાન અને સંયમવંત મુનિરાજોનો, ચિત્તને પુલકિત કરી મૂકે તેવો સહવાસ મળ્યો.
તીર્થોની યાત્રા કે સ્પર્શના કે દર્શન, આપણી શ્રદ્ધાને તથા ધર્મમાર્ગ તરફના બહુમાનને વધુ દઢ બનાવે છે, શુદ્ધ કરી આપે છે.
વિદ્વાન સાક્ષરોનો સત્સંગ, આપણને પ્રમાણિક, સન્નિષ્ઠ, મૂલ્યો માટે સંઘર્ષ વ્હોરવામાં તત્પર, અને સાચુકલા બનાવે છે; અને તેથીયે વધુ તે આપણને સંવેદનશીલ બનાવે છે; આપણી સંવેદનાને બુઠ્ઠી કે બહેરી બનતાં એ રોકે છે. સંવેદનબધિરતાના આ સમયમાં સંવેદનશીલ હોવું અને રહેવું એ પણ એક પુરુષાર્થ છે. સંવેદનશીલ માણસ સચ્ચાઈનો આગ્રહી હોય છે, અને સચ્ચાઈનો આગ્રહ તેને એકલો પાડી શકે છે. સંવેદનબધિર વ્યકિત હંમેશા પોતાની વાતનો જ આગ્રહ સેવતી રહે છે, અને તેમ કરવામાં તેને સાથ આપનારા જીહજૂરિયા મળી રહેતા હોય છે.
અને, સાધુ-ભગવંતોનો સહવાસ, આપણામાં સંયમ પ્રત્યેનો અહોભાવ વિકસાવી આપે છે. સાધુઓમાં પરસ્પર સભાવ, સ્નેહ, ઉદાર વલણ અને દૃષ્ટિકોણ, ઉમદા અને સારી વાતોનું આદાન-પ્રદાન -આ બધાં તત્ત્વો પણ આવા
વિહારયાત્રા