________________
ગયા મહિને મુંબઈ શહેરમાં થયેલ આતંકવાદપ્રેરિત ભયાનક હત્યાકાંડે આપણને ક્રૂરતા અને રાક્ષસી મનોવૃત્તિ કેવી હોય તેનો જીવંત પરિચય કરાવ્યો. માનવીનું મન જ્યારે દ્વેષ, વૈર, ધૃણા અને તિરસ્કાર જેવી નકારાત્મક વૃત્તિઓનો શિકાર બની જાય છે, અને એવી વૃત્તિઓને એકાંગી રીતે ઉછેરે તથા પોષે છે, ત્યારે તેનું કેવું દારુણ અને ભયંકર પરિણામ આવે છે, તેનો અંદાજ આ ઘટના થકી આપણને મળી ગયો છે. સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે તદન કોરી. પાટી જેવું મન ધરાવતા, યુવાનીના ઉંબરે હજી તો પગલું માંડતા યુવાનોનાં હૈયાંને, ધર્મ (મજહબ) અને પંથના નામે તથા કોમ અને દેશના નામે, ગંદી વાતો, નકારાત્મક ભાવનાઓ અને નર્યા જૂઠાણાઓથી કેવી રીતે ખરડી ખરડીને કાબરચીતરાં તથા ગંદાગોબરાં બનાવી શકાય છે ! આ હિંસાખોર આંતકવાદી યુવાનોના મન, ધર્મના ઓઠા હેઠળ, પ્રતિશોધ, કિન્નાખોરી, ખુન્નસ અને દુશ્મનાવટથી એવાં તો છલકાવી દેવામાં આવ્યાં હશે કે તે યુવાનોએ હજારો - સેંકડો મનુષ્યોને કીડી મંકોડાની જેમ વધેરી નાખ્યા. જેમ જેમ મનુષ્યોને મારતા ગયા તેમ તેમ તેઓનાં હૈયાં પાશવી આનંદથી ઉભરાવા લાગ્યાં હતાં. આ બધું કેટલું ભયાનક હતું ! આજે પણ તેનું સ્મરણ થતાં જ હૈયે એક પ્રકારનો ઘેરો ઉદ્વેગ ફરી વળે છે. એક ગુજરાતી કવિએ કહ્યું હતું :
તુ કૌરવ, પાંડવ તું મનવા ! તું રાવણ, તું રામ
હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ” આ પંક્તિઓ, આ આંતકવાદીઓના સંદર્ભમાં, કેટલી સાચી ઠરે છે ! માણસ મૂળે તો નિર્મળ, નિર્લેપ અને તટસ્થ હોય છે. તેના ચિત્તમાં શું રોપવામાં કે ભરવામાં આવે છે તેના ઉપર જ તેના વ્યક્તિત્વનો આધાર રહ્યો હોય છે. માટીના માટલામાં શેરડીનો રસ પણ ભરાય, અને દારૂ કે લઢો પણ ભરી શકાય. એમ માણસના મનમાં વેરઝેર પણ લાવી શકાય, અને તો તે ક્રૂર, હિંસક અને દુષ્ટ જાનવર સમાન બની જાય તેના હૈયામાં પ્રેમ, કરુણા અને મૈત્રી જેવા ઉદાત્ત ભાવો પણ ભરી શકાય, અને તો તે દયાળુ, પરગજુ અને સજ્જન મનુષ્ય બની જાય. કૌરવ અથવા રાવણ એ બે ઝેરીલા અને ડંખીલા આંતકવાદીઓનું પ્રતીક ગણાય, અને પાંડવ તેમજ રામ એ દયાળુ અને સંસ્કૃત સજ્જનોનું પ્રતીક ગણાય.
પ્રાર્થના