________________
સહવાસથી પાંગરે છે. સાધુ અને સાધુવેષ માટેનો સદ્ભાવ જેટલો વધે તેટલો વધારવો જોઈએ. પરિચય ભલે ન હોય, પણ મુનિવેષ તરફનો આદર તો હોવો જ જોઈએ. કોઈપણ સાધુ મળે, નજરે ચડે, તો મનોમન તેને ભાવપૂર્વક પ્રણામ વંદન કરીએ, તો આપણું સમક્તિ નિર્મળ થાય, કર્મો ખપે, ગુણો વધે, અને ચિત્તની પ્રસન્નતા જામે. આ બધું જ આ વિહારયાત્રામાં અનેકવાર બન્યું. અનહદ આનંદ છે એનો. સંયમ પામ્યાનો સાચો આનંદ આવો જ હોય.
આપણે ઇચ્છીએ, અને એ આપણી ઇચ્છા વાજબી-સાચી જ હોય, છતાં તેમ ન બને કે તેથી ઊલટું જ બને, તો શું કરવું? આપણી વાત સાવ સાચી હોય, એથી જુદી વાત હાનિકારક જ હોય, છતાં આપણી વાત અયોગ્ય મનાય, અને તેનો તિરસ્કાર થાય, ત્યારે શું કરવું?
આ પ્રશ્ન દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે, આવો પ્રશ્ન મુનિજીવનમાં પણ આવે જ. આવે વખતે ઉગ અને અસમાધિથી બચાવે એવું સમાધાન કર્યું? એક જ સમાધાન હોઈ શકે આ સમસ્યાનું : મુનિજીવન એટલે કે સંયમના આનંદની સરખામણીમાં આપણી કોઈપણ ઇચ્છાની તૃપ્તિનો અને એ રીતે આપણા અહંકારની પુષ્ટિનો આનંદ હંમેશાં તુચ્છ હોય છે, હોવો જોઈએ.
ઇચ્છા સારી-સાચી ભલે હોય, પણ તે પૂર્ણ થાય એટલે અહં વધવાનો જ. એ સંયમજન્ય આનંદમાં બાધક બાબત છે. ઇચ્છા પૂરી ન થાય, તો અહંને ઠેસ વાગે, ફરિયાદ ઊઠે, આર્તધ્યાન વધે, એ આ સ્થિતિનું દુષ્પરિણામ છે.
મજા ત્યારે આવે, જ્યારે આવી ઇચ્છા થાય, તે પૂરી ન થાય, તેમ છતાં તેથી અહં ન ઘવાય, ફરિયાદ ને વૈમનસ્ય ન ઊગે, દુર્ગાનનો ઓછાયો પણ ન આવે, અને જે થાય તેને મધ્યસ્થભાવે નિરખ્યા કરતાં નિજાનંદમાં મગન રહેવાય. ઉત્તમ મુનિઓનો સહવાસ, આપણા હૃદયમાં નિજાનંદની મગનતાની પ્રતિષ્ઠા કરી આપનારી સ્થિતિ છે. આવો સહવાસ અનાયાસે મળ્યાનો હૈયે આનંદ છે. આ આનંદ ચિરસ્થાયી હો !
(પ્ર.જેઠ-૨૦૬૩)