________________
મિનિટે મિનિટે, અનેક અનેક રીતે આગતા-સ્વાગતાના ઉપચારો કરીને રીઝવનાર લોકો પણ, આવું આકરૂં કષ્ટ-વ્રત વેઠનાર સંયમીની એકાદ અનિવાર્ય લઘુતમ સામાન્ય જરૂરિયાત પૂરી કરવાની વાત આવે ત્યારે ફંગરાતા હોય છે, ગમે તેમ બબડતા હોય છે, અને હાર્દિક અનાદર દાખવતા હોય છે. આ અનુભવની વાત
છે.
સાધુનું મૂલ્ય ન સમજાયું હોય; સાધુ વિહારાદિ દ્વારા કેટલો ઉપકાર કરે છે તેની સમજણ ન હોય, તો જ આવું બને. ઘડીભર કલ્પના કરવા જેવી છે કે, જો સાધુઓ વિહાર કરવાનું બંધ કરી દે, અને ચોક્કસ સ્થાનોમાં પોતાની સાધનામાં લાગી જાય તો સમગ્ર સમાજનું શું થાય? અગણિત ક્ષેત્રો તથા ધર્માનુષ્ઠાનોનું શું થાય? “સાધુનો ધર્મ તો સાધના કરવાનો અને સહન કરવાનો છે એવી મનઘડંત અથવા વિવેકશૂન્ય વાતો કરનારાઓએ આવી કલ્પના પણ કરી લેવા જેવી છે. જો જરાક પણ અક્કલ હશે તો ખ્યાલ આવશે કે સાધુનો વિહાર અટકી જાય તો સમગ્ર સંઘ-સમાજને કેટલી બધી-કલ્પનાતીત-હાનિ થાય?
હમણાં જ એક સ્નેહી સ્વજને કહ્યું: આપણાં કુટુંબો સ્ત્રીને કારણે ટક્યાં છે, અને આપણો સમાજ સાધુને લીધે નભે છે. કુટુંબમાં જો સ્ત્રી ન હોય તો કુટુંબ છિન્નભિન્ન થઈ જાય, અને જો સાધુ ન રહે તો આખો સમાજ વેરવિખેર થઈ જાય.”
કેવી માર્યાની વાત છે આ! ભારતની અને ગુજરાત-મારવાડની વિશેષતા તેની સંયુક્ત કુટુંબ પ્રથામાં છે, અથવા તો હતી. આ પ્રથા આજ સુધી જળવાઈ તેનું કારણ સ્ત્રી છે. ગમે તેટલા વિચારભેદો હોય-થાય પણ સ્ત્રીશક્તિ તે બધા ભેદોને ગાળી નાખી અને બધાયને એકસૂત્રે બાંધ રાખે. આજે કુટુંબો તૂટ્યાં છે, તૂટવા માંડ્યાં છે, કારણ કે સ્ત્રી સ્વાર્થી બની છે. ગળી ખાવાની અને સૌને સંભાળી લેવાની તેની વૃત્તિ સ્વાર્થમાં પલટાઈ ગઈ છે.
એવી જ રીતે આપણો હિન્દુ સમાજ, જૈન સમાજ હજી પણ જો ઊજળો લાગતો હોય તો તેનું કારણ તેના સાધુ-સંતો છે. કશાય અંગત સ્વાર્થ વિના વિચરવું, અને સમાજને પ્રેરવો, ઢંઢોળવો, ઠમઠોરવો, સત્કાર્યોમાં જોડવો, અને સામાજિક મનુષ્યોના વ્યકિતગત પ્રોબ્લેમ પણ ઉકેલવામાં મદદરૂપ થવું, આ બધું જ આપણા સાધુભગવંતો નિરંતર કર્યા કરે છે. તે બધું જો તેઓ બંધ કરી દે તો? તો પછી આ સમાજની જે દુર્દશા થાય તે જેવી તેવી નહિ જ હોય. વાસ્તવમાં સાધુનો ધર્મ જ સમાજને અને વ્યક્તિને દુર્દશામાંથી બચાવવાનો છે. અને દરેક સાધુ, ઓછે વત્તે અંશે આ કામ કર્યા કરે છે, માટે જ આપણો સમાજ ઊજળો રહ્યો છે.
વિદાયાત્રા