________________
અનુભવ કરવા છતાં આપણે ‘બધું જ આપણું છે, અને મારા સહિત બધું જ કાયમી છે' એવી ભ્રમણામાં કેવા તો રાચીએ છીએ! ૨મૂજ થાય તેવી બાબત તો એ છે કે, ગઈકાલ સુધી જે વાતાવરણમાં આપણે આનંદભેર અને વટ કે સાથ જીવ્યા હોઈએ, તે વાતાવરણ આપણા હાથમાંથી, આપણા આનંદને તેમ જ વટને લઈને ચાલ્યું જાય, છતાં આપણા હૈયામાંથી તેની આસક્તિ અને તે હવે ન હોવાનો શોક ઓછાં થતાં નથી ! અર્થાત્, પરિવર્તનના જાત અનુભવ પછી પણ તેમાંથી જાતને સુધારવાનો કે સમજદાર થવાનો કોઈ બોધપાઠ આપણે લેતાં નથી.
જગતને મિથ્યા માનીને ભાગી છૂટવાની આમાં વાત નથી. રોકકળ કે ફરિયાદ કર્યા કરીને અકિંચિત્કર કે મૂઢ બની રહેવાની પણ વાત આમાં નથી. આમાં તો એટલી જ વાત છે કે બધું જ હોય અથવા મેળવીએ છતાં તેમાં મોહાંધ અને આસક્ત ન થવું, અને સારું કે નરસું - જે પણ પરિવર્તન આવે તેને જીવનના એક પદાર્થપાઠ તરીકે સ્વીકારી લેવું; અને દરેક પરિવર્તન થકી સાંપડી શકતો બોધ જીવનમાં ઊતારીને જીવનને વધુ સરળ, સહજ, સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મથવું.
આસક્તિ આપણને મૂઢ અને ભ્રષ્ટ બનાવે છે.
સમજણ આપણને સહજ અને શાન્ત બનાવે છે.
પ્રત્યેક સ્થિતિમાં શાન્ત અને સહજ-સ્વસ્થ રહેવાની ચાવી, સમજણ થકી જ પ્રાપ્ત થાય છે, એટલું સમજી શકનાર વ્યક્તિ કદીય મૂંઝવણમાં મૂકાતી નથી.
અહીં અટકીશું?
(ચૈત્ર-૨૦૬૧)
વિહારયાત્રા