________________
૨૪
ધર્મ અને તેની વિવિધ આરાધનાઓનું સામાન્ય લક્ષ્ય એક જ હોય છે. મનને સ્વચ્છ કરવાનું. ઘણી ઘણી ધર્મ આરાધનાઓ કરીએ છતાં મન હજી ચોખ્ખું નથી થતું, તો તેમાં દોષ કોનો? ધર્મનો? - ના. આરાધનાનો? – ના. ક્રિયાનો? - ના. દોષ આપણો જ; આપણે ધર્મ અને ધર્મક્રિયાઓ કરવા છતાં તેમાં મનને પરોવ્યું નહિ, મન વગર જ એ બધું કર્યું, તેથી જ મન હજી ચોખું થયું નથી, થતું નથી.
ધર્મ કરવાનો છે, મનમાં વર્તતી મલિનતાઓને પખાળવા માટે. મલિન મન જેનાથી ઊજળું થાય તે જ છે ધર્મ. ધર્મ કરવા છતાં આપણું મન મલિનતાથી છૂટતું ન હોય તો આપણે આપણા મનની જ ખણખોદ કરવી જ પડે. આવી ખણખોદ જેને ગમે, પોતાની મલિન વાતોને સમજી – ઓળખી શકે તેમ જ તેને દૂર કરવાની તમન્ના જેને જાગે, તેનું નામ ધર્મી જીવ.
આપણા મનનું ખોદકામ કરીએ તો તેમાં ઓછામાં ઓછી ત્રણ જાતની મલિનતા નજરે પડે છે. ૧. અપેક્ષા, ૨. અભિમાન, ૩. અદેખાઈ.
અપેક્ષાનાં અનેક રૂપો છેઃ એષણા, લાલસા, તૃષ્ણા, વાસના, લાલચ, ગરજ, સ્વાર્થ વગેરે. વસ્તુની ઇચ્છા ક્યારેક થાય. ક્વચિત વ્યક્તિની ઇચ્છા થાય. કદીક આપણું ગમતું અથવા ધારેલું થાય તેવી પણ આકાંક્ષા પ્રવર્ત. આ બધું જ અપેક્ષા છે. આ અપેક્ષાને કારણે પુદ્ગલનો રાગ પ્રબળ બને છે, તેને કારણે ઘણાં રાગ-દ્વેષના વમળો જીવનમાં પેદા થાય છે; અને તેને લીધે અનેક ગંદાં કાર્યો આપણે કરતાં જ રહીએ છીએ. જેનું પરિણામ ઉદ્વેગ અને ખેદ સિવાય કશું જ નથી હોતું. કર્મબંધન તે તો ખરું જ.
અપેક્ષા પાપમાં પરોવે છે. અપેક્ષા આનંદને નષ્ટ કરે છે. અપેક્ષાને કારણે રૂડા સંબંધો પણ તૂટે છે. અપેક્ષા હલકા-હીણા જનોની લાચારી કરાવે છે. ટૂંકમાં, અપેક્ષા દરેક પ્રકારનાં દુઃખોની જનેતા બની રહે છે.
બીજી મલિનતાનું નામ છે અભિમાન. “કાંઈક છું' આવું, અને “મારી પાસે કાંઈક ખાસ છે? આવું અભિમાન આપણને સદાય કનડતું હોય છે. ખાસ દેખાવાની અને બીજા ઉપર પ્રભાવ પાડવાની વૃત્તિને લીધે પેદા થતું આ અભિમાન આપણને તુચ્છ પણ બનાવે છે, તોછડા પણ બનાવે છે. પોતાની જાતે જ હલકા થવાની જોગવાઈ આ અભિમાન પૂરી પાડે છે. આ અભિમાન જ આપણને