________________
ઓછું. માનવજીવનની દુર્લભતા સમજાય, તેને આ સત્ય અવશ્ય સમજાય.
બીજી તરફ, માનવજન્મને સફળ અને સાર્થક બનાવવું હોય તો તે માટેનાં સાધનો પણ આપણને ઓછાં તો નથી જ મળ્યાં! કેટકેટલાં એવાં સાધન છે, જેના આલંબને આ જીવન જ નહિ, પણ આખો ભવસાગર તરી જઈ શકાય તેમ છે ! આવાં સાધનોમાં સૌથી ઊંચું અથવા પ્રથમ સાધન એટલે “ધર્મ.'
ધર્મ એટલે મનુષ્યને અશુભ માર્ગે જતો અટકાવી શકનારું તત્ત્વ. દુર્મતિ અને દુર્ગતિ એ બે છે અશુભ માર્ગો. એ બન્ને માર્ગ તરફ ધસી જતા મનુષ્યને પાછો વાળી શકે તેવું તત્ત્વ તે ધર્મ. ધર્મ સિવાય બીજા એક પણ તત્ત્વની ગુંજાઈશ નથી કે મનુષ્યને ખોટા રસ્તે જતો રોકી શકે. ધર્મતત્ત્વ વિષેની મનુષ્યની સાચી સમજ, એનામાં હિત-અહિતનો વિવેક જન્માવે છે અને એ વિવેક એને માઠા રસ્તે જતા અટકાવે તો છે જ, પણ સાથે સાથે એને સાચા રસ્તે દોરી પણ શકે છે.
આસક્તિનો માર્ગ તે અશુભ માર્ગ છે. અશુભ એટલા માટે કે તે આપણી પાસે ઘણાં ઘણાં અજુગતાં કે ખોટાં કામો કરાવે છે. આસક્તિ હિંસા કરાવે. જૂઠું બોલાવે. ચોરી કરાવે. અનાચાર–સેવન કરાવે, વ્યર્થનો સંગ્રહ કરાવે. ન જાણે આવાં તો કેટકેટલાં પાપ એક આસક્તિ કરાવે છે માણસ પાસે !
ઈર્ષાનો માર્ગ તે અશુભ માર્ગ છે. એ માણસની દોષદષ્ટિને ખીલવી આપે છે અને ગુણદષ્ટિને ઝાંખી પાડે છે. પોતાની દૃષ્ટિને મલિન બનાવ્યા સિવાય કોઈની એબ જોવાનું શક્ય જ નથી. બીજાનું સારું થાય, બોલાય, તે ઈર્ષાવાળો મનુષ્ય સહન નથી કરી શકતો. આવા માણસને પોતાનું સારું કરવામાં એટલો રસ નથી હોતો, જેટલો રસ કોઈનું સારું ન થાય - ખરાબ થાય તેમાં હોય છે. ઈર્ષ્યા, ક્લેશ જન્માવે, વેર અને વિરોધ વધારે, જીવનને અવગુણોની દુર્ગધથી ભરી દે.
ધૃણાનો-નફરતનો માર્ગ તે અશુભ માર્ગ છે. ઘણા લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે એમને બીજું કોઈ જ ન ગમે. દરેકે દરેક માણસમાં એમને કાંઈ ને કાંઈ નફરત કરવા જેવું જડી જ આવે. આવા જણને કોઈ મિત્ર ન હોય. બધાયનો તિરસ્કાર જ કરવાની ટેવ હોય તેની મૈત્રી કોણ પસંદ કરે ભલા?
ક્રોધનો માર્ગ એ અશુભ માર્ગ છે. ક્રોધે અનેકોના સંસાર ઉજાડ્યા છે. ક્રોધે અકારણ યુદ્ધો નોતર્યા છે અને લાખોનો સંહાર કરાવ્યો છે. ક્રોધને ઊર્જા ગણાવીએ તો પણ તે નકારાત્મક ઊર્જા જ ગણાય. આવી ઊર્જા પોતાને પણ બાળે અને બીજાને પણ સળગાવે. ક્રોધ વડે બળવું એટલે આપણા સગુણોને બાળવા. સગુણો બળી જાય તેવો માણસ સારા માર્ગે ચાલશે તેવી અપેક્ષા પણ કેમ રખાય ?
અહંકારનો માર્ગ પણ અશુભ માર્ગ છે. અહંકારનો માર્ગ એટલે અંધકારનો માર્ગ. અહં હોય તે મનુષ્ય હમેશાં અંધારામાં જ અથડાતો હોવાનો. અહં માનવીને