________________
ગુજરાત છોડ્યા પછી એટલે કે, ધરમપુરથી આગળ વધ્યા પછી, છેક અહીં સુધી રોડ સંબંધે કોઈ જ ફરિયાદ કરવી નથી પડી. ગુજરાતમાં હાઈ વે, સ્ટેટ રોડ કે એપ્રોચ રોડ, તમામ માટે સતત ખાડા-ખડિયાની, મેટલ-થીંગડાંની અને એવી અનેક ફરિયાદો કર્યા કરવાની હોય જ. ધરમપુરથી નાસિક, સંગમનેર, પૂના, કોલ્હાપુર, બેલગામ, હુબલી વગેરે થઈને અહીં - બેંગલોર પહોંચ્યા ત્યાં સુધીમાં એક પણ રોડ બાબતે તે પ્રકારની ફરિયાદ કરવી પડી નથી.
પર્વતોનો સથવારો આખા રસ્તે રહ્યો - સતત. અને તે કારણે જ ઢાળ ચઢવા-ઊતરવાનું પણ લગભગ સતત રહ્યું. દાવણગિરિ વટાવ્યા પછી તો છેક સુધી ખૂબ હરિયાળો પ્રદેશ. ૧૫૦ કિ.મી.તો સતત નાળિયેરીની વાડીઓ જ મળે. ખૂબ વૃક્ષો-વનસ્પતિ. પહાડો નર્યા ખડકાળ, પણ મહદ્અંશે લીલા. શત્રુંજયગિરિ કે અન્ય પર્વતો, આપણે ત્યાં, રેતાળ જ હોવા છતાં વનરાજિનું નામ - નિશાન નથી, તે આ સંદર્ભમાં સહેજે યાદ આવે, તુલના થાય. આમ છતાં, હમણાં N.H.4 આખો 4 Track બની રહ્યો છે, તે જોતાં જ કમકમાં ઉપજતાં રહ્યાં. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ આવા માગું થશે – થશે જ – ત્યારે ત્યાં રહ્યાંસહ્યાં વૃક્ષોની કેવી સ્થિતિ થવાની તેનો વિચાર પણ સહજ જ થઈ આવે.
પહાડો પુષ્કળ, છતાં પત્થર ફોડવાની વાત સરખામણીમાં અલ્પ લાગી. જરૂર પડે જ ને તોડે જ છે, પણ પ્રમાણ અલ્પ. એની સામે વલભીપુરથી લઈને ગિરનાર સુધી પથરાયેલી પહાડીની વાત યાદ આવે તો થીજી જવાય છે. ત્યાં તો આવતાં ૧૦-૨૦ વર્ષોમાં મોટાભાગના પર્વતો જ નામશેષ થઈ જવાના - સિમેન્ટ - કપચી બનીને પ્રજાના – ખાસ તો વિદેશોની પ્રજાના સદુપયોગ (!) માટે ખપી ખૂટવાના ! જે પર્વતો બચશે તે પણ તેના પર કોઈ મંદિર કે ધર્મક્ષેત્ર હશે માટે જ; પ્રજાકીય શિસ્ત, સમજ કે જાગૃતિથી નહિ.
ગરમી ઘણી ઓછી. ૩૮ કે ૪૦ થાય ત્યાં તો વરસાદ પડી જ જાય. ગયા વર્ષના દુષ્કાળને કારણે આ વર્ષે ગરમી (કર્ણાટકમાં) વધી ખરી, પણ તે સામે વરસાદ વેલાસર આવવો ચાલુ થઈ ગયો છે. ફાગણ વદથી વિહારમાં ક્યારે ક્યારેક નડતો આવ્યો છે. અત્યારે તો ચોમાસા જેવું જ લાગે.
પ્રજા ગરીબ લાગી. ગામડાં શાંત લાગે – સુસ્ત. લગભગ દરરોજ નિશાળમાં મુકામ હોય; નિશાળો સાવ પડતર, પછાત હોવાની સાહેદી આપે. કીડી, મંકોડા ઉપરાંત ત્રણ-ચાર વાર વીંછી પણ નીકળ્યા, કાનખજૂરા પણ. રાત હોવા છતાં કોઈ ને કોઈનું ધ્યાન પડી જવાથી બધા બચી જાય. ગુજરાતમાં કાયમનો હજારો