________________
૧૨
અમે જે રસ્તે આ તરફ આવ્યા હતા, તે જ રસ્તે પાછા ફરી રહ્યા છીએ. સમગ્ર રસ્તા પર “૪ લેન નો વિશાળ માર્ગ (Road) બનાવવાની પ્રક્રિયા ત્રણેક વર્ષથી ચાલી રહી છે, જે અત્યારે પૂરવેગથી ચાલતી જોવા મળે છે. સખત અને અણથંભ્યો ટ્રાફિક અને ખોદકામ-બાંધકામને કારણે સાંકડા પડતા રસ્તાઓઆમાં વિહાર કરવાનું ખરેખર વિકટ બની રહે છે. આવી વિકટતામાં પણ પંચ મહાવ્રતધારી જૈન સાધુ-સાધ્વીઓ સતત વિહાર કરતાં રહે છે. અને અનેક ક્ષેત્રોમાં વસતા જૈન સમુદાયને ધર્મલાભ આપતાં જ રહે છે તે કેવો મહાન ઉપકાર છે ! કોઈના ઉપર વિશેષ બોજારૂપ ન બને; છ કાય જીવની વધુમાં વધુ યતના અને રક્ષા કરે; પર્યાવરણને કોઈ પણ રીતે, પોતાના હાથે કે પોતાના કારણે, પ્રદૂષિત ન કરે, એનું નામ જૈન સાધુ. આવા આત્મસાધક તથા ઉપકારી પૂજ્યો આપણને આ વિષમ કાળમાં જોવા મળે છે, એ પણ કાંઈ જેવું તેવું પુણ્ય નથી. એમને વંદન-નમન કરીને જ સંતોષ ન માનવો; પણ સકલ સંઘ ઉપર, અને એટલે જ આપણા ઉપર પણ, તેઓ દ્વારા થતા ઉપકારનું અલ્પસ્વલ્પ પણ ઋણ ચૂકવવાનો અલ્પાંશે પણ ભાવ કેળવવો, પ્રયાસ કરવો. એમની પાસે ધર્મ પામવો, ધર્મ શીખવો, આરાધનાના માર્ગે તથા ગુણોની પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું શીખવું, એ એમનું ઋણ ચૂકવવા બરાબર ગણાય. એમના ગુણ જોવા અને તેની અનુમોદના કરવી, તેમ જ તેમના દોષો જોવાથી તથા તેની નિંદા કે ટીકા કરવાથી બચવું, એ પણ ઋણ ચૂકવવાની જ પ્રવૃત્તિ ગણાય. તેમની યથાશક્તિ ભક્તિ-વૈયાવચ્ચ કરવી તથા તેમને સંયમ નિર્વાહમાં આવતી બાધાઓનું નિવારણ કરવામાં તન-મન-ધન પ્રયોજવાં, તે બધું પણ તેમનું ઋણ અદા કરવાનો જ માર્ગ છે. આમાનું આપણે શું કરી શકીએ? અથવા શું કરીએ છીએ? મોટાભાગના મનુષ્યો, જો છાતી પર હાથ મૂકીને પોતાના હૃદયને પૂછે, તો જણાશે કે આવું કાંઈ કરવાનું તો બાજુ પર, ઊલટું આપણે તો આનાથી અવળું જ ઘણું બધું કર્યું છે અને કરીએ છીએ. સાધુ-સાધ્વીની ભૂલો કાઢવામાં તો તૈયાર! તેમની નિંદા-ટીકા કરવામાં તો પહેલો નંબર! તેમની સંયમ યાત્રામાં નડતર કે અગવડ ઊભી કરવામાં સૌથી મોખરે! તમે કોઈ આ વાત સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ મારું આ ઝીણવટપૂર્વકનું, તટસ્થ નિરીક્ષણ છે કે આ વાત તમારામાંના મોટાભાગનાને લાગુ પડે છે, ને પડે જ છે. એક કે બીજા પ્રકારે, એક કે બીજા સાધુ કે સાધ્વીને, બાધા પહોંચાડવામાં તમે ભાગ ન લીધો હોય તો કહેજો. ક્યાંક ને ક્યાંક તો મર્યાદા ચૂક્યા જ છો કે ચૂકો જ છો. ધર્મી કે