________________
લચીલાપણાને કારણે અક્ષરો આઘાપાછા થવાથી હવે તે “માંગરોળ'ના નામે જ ઓળખાય છે. એવું જ કાંઈક “વડસાલ સાથે પણ બન્યું અને વલસાડમાં ફેરવાઈ ગયું લાગે છે.
હવે વાત આવી પ્રભુજીની, તો વલસાડમાં આજે તો આશરે ૯૦ જેટલાં વર્ષથી (કે કદાચ થોડા વધુ વર્ષથી) મહાવીર સ્વામી ભગવાન બિરાજે છે. તેમાંયે આજના મૂળનાયકનું બિંબ તો પ્રાયઃ દમણથી અહીં લાવેલ છે. હવે ઉપરની તીર્થમાળાના વર્ણન પ્રમાણે તો આ ગામમાં મૂળનાયક જીરાવલા પાર્શ્વનાથ હતા, તો તે પ્રભુજી ક્યાં ગયા? તે મંદિરનો નાશ ક્યારે, કઈ રીતે, કોણ કર્યો ? આવા અઢળક પ્રશ્નો ઉપસ્થિત થાય, જેનો ઉત્તર મળવો મુશ્કેલ ગણાય.
એ જ તીર્થમાળામાં ઘણદીવ (આજે ગણદેવી)માં ચિંતામણિ પાર્શ્વનાથ હોવાની વાત છે, નવસારિકા (આજનું નવસારી)માં પાર્શ્વનાથજી હોવાનું વર્ણન છે, અને તે આજની તારીખમાં પણ બરોબર તે જ પ્રમાણે જોવા મળે છે. તો વલસાડમાં જ કેમ ફેરફાર?
એક સંભાવના એ છે કે, આજે વલસાડમાં રહેનારા જૈનો તે મૂળે ત્યાંના નથી. સો કે તેથી વધુ થોડાં વર્ષો અગાઉ મારવાડ બાજુથી આવીને વસેલા છે. પણ મૂળભૂત રીતે વલસાડના હોય તેવા કોઈ જૈનો હોવા તો જોઈએ જ. તેઓને કોઈ કારણે વલસાડ છોડવાની ફરજ પડી હોય, અને તે વેળા તે પ્રભુપ્રતિમાને પોતાની સાથે, જયાં ગયા ત્યાં, લઈ ગયા હોય, તો સંભવિત ગણાય ખરું. પરંતુ તે માટેનો કોઈ ઇતિહાસ કે ઐતિહાસિક સાધનોની ભાળ મળતી નથી. સો દોઢસો વર્ષ અગાઉના મકાનો વગેરેના દસ્તાવેજો દફતર ભંડારમાં અથવા તો બીજે ક્યાંક સચવાયા હોય અને તે જડી આવે, તો કોઈવાર પગેરૂં જડી આવે ખરું.
આપણે મૂળ વાત વિહારના અનુભવોની કરતા હતા. તો જુઓ કે એક ગામના નામમાંથી પણ કેટલી બધી વાતો માંડી શકાય છે! તો નિત્યનવાં ગામોમાં વિચરીએ અને નવાં નવાં ભગવાનનાં દર્શન સાંપડે, તો આવું કેટલું બધું સાંપડે !
યાત્રા/પ્રવાસ કરવાનો શોખ ધરાવનારા તમે સહુ; તમારે આવા અજાણ્યાં કે તીર્થ તરીકે ન સ્થપાયેલાં ક્ષેત્રોમાં પણ કદીક જવાનું આયોજન કરવું ઘટે, અને ત્યાં બિરાજતાં આવાં પ્રાચીન-તીર્થસ્વરૂપ બિંબોની ભક્તિ આરાધના કરવાની તક અવશ્ય ઝડપવી જોઈએ, એવું ઉમેરવાની છૂટ લઈ લઉં.
(પોષ-૨૦૬૧)