________________
૧૮
કચ્છમાં જુદાં જુદાં ગામોમાં વિચરણ કરી રહ્યા છીએ. ભૂકંપે વેરેલો વિનાશ હજી અહીં જોવા મળે છે, તો એ મહાઆફતનાં રોદણાં રડીને બેસી ન રહેતાં ભભૂકતી જિજીવિષા અને પુરુષાતન નીતરતી ખુમારી સાથે અગાઉ કરતાં વધુ
જ્વલંત અને મજબૂત રીતે બેઠું થઈ રહેલું કચ્છ પણ ઠેરઠેર નિરખવા મળે છે. સોહામણાં, સ્વચ્છ, સુઘડ ગામો. ગંદકીનું પ્રમાણ નગણ્ય. મુંબઈ સામે હોડ બકે તેવાં વૈભવી મકાનો. સુંદર જિનાલયો. ભદ્રિક અને પ્રેમાળ લોકો. આ છે કચ્છનો લાઈન-સ્કેચ. કચ્છમાં એક જ વાત ખટકે તેવી છે, અહીંના ગામો મહદંશે વસ્તીવિહોણાં -નિર્જન જણાયાં. મોટા ભાગના લોકો મુંબઈ અથવા દેશાવરમાં રહે છે. વારે-પ્રસંગે અહીં આવે અને રહે જરૂર. પણ બાકીના સમયમાં ગામો સાવ નિર્જન-ભેંકાર ભાસે. શેરી કે ફળિયામાં ભાગ્યે જ કોઈ માણસ જોવા મળે. બીજી વાત એ ખટકે તેવી લાગી કે હવે કચ્છનો ઔદ્યોગિક વિકાસ અતિ વેગે થઈ રહ્યો છે. આ ઉદ્યોગો કચ્છની ધરતીને તથા હવામાનને પ્રદૂષિત કરશે. અહીંનાં પાણી શોષવી લેશે. અહીંની કુંવારી ધરતીમાં સચવાયેલ કુદરતી તમામ સંપત્તિને ૧૦-૨૦ વર્ષમાં જ ચૂસી લઈ આ પ્રદેશને યુગયુગાંતરો સુધી સદાદરિદ્ર બનાવશે. અને ઉદ્યોગોના ઓઠે અહીં આવેલ તથા આવનાર લાખો વિદેશી જાતિ તથા વર્ગોના માણસોનાં વસમાં કરતૂતોનો ભોગ આ પ્રદેશની ભલીભોળી પ્રજા એ હદે બની જશે કે આ પ્રજામાં જે ભયંકર પાપો-પ્રદૂષણો નથી તે પ્રસરી જશે અને તેની જન્મજાત/વારસાગત સંસ્કારિતાનું નિકંદન નીકળી જશે. લાગે છે કે આ અનિવાર્ય નિયતિ હશે. કેમકે હવે કોઈ તાકાત આ આક્રમણને અટકાવી શકે તેમ નથી. આપણે દુ:ખાતા દિલે પણ પ્રાર્થીએ કે શિવમસ્તુ સર્વજગતઃ ...
હમણાં એક ઉત્તમ કક્ષાના સાહિત્યકારનું લખેલું એક અદ્ભુત સુભાષિતસમું વાક્ય વાંચ્યું, મને બહુ ગમી ગયું, તો તે તમને પણ વંચાવું :
પોતાનું ભલું કરે તેનું ભલું કરવું એ તો વિવેક છે. પોતાનું ભલું ન કરે છતાં એનું ભલું કરવું એ માણસાઈ છે. પણ પોતાનું બૂરું કરે છતાં એનું ભલું કરવું એ ઉદાત્તતામાં તો દેવતાઈ અંશ જોઈએ.”
સંસ્કૃતમાં એક શ્લોક છે. તેનો સાર એવો છે કે, “ઉપકાર કરનારા તરફ સજ્જનતા દાખવો તો તે કાંઈ બહુ મહત્ત્વનું નથી, ખરો સજ્જન તો તે છે કે