________________
થતાં બન્ને હોંશે હોંશે જમે.
એકવાર પુરુષ જરા વહેલો આવી ગયો. રોટલાને વાર હતી, તે બહાર ખુલ્લા આકાશ હેઠળ ખાટલો નાખીને એ આડો પડ્યો, ને કાંઈ ભજન જેવું ગાવા લાગ્યો. અચાનક અંદરથી અવાજ આવ્યોઃ “સાંભળો છો કે?” ભાઈએ હોંકારો દીધો, તો બાઈએ કહ્યું : “હમણાં હમણાં ભગવાન આપણા પર રૂક્યો હોય એવું મને લાગે છે, તમને નથી લાગતું?” પુરુષ કહે : “ના રે ના, આપણે એવાં તે શાં ખોટાં કામ કર્યા છે તે ભગવાન આપણા પર રૂઠે? મને તો એવું નથી લાગતું. પણ તમને કેમ આજે આવું લાગે છે?” તરત સ્ત્રી બોલીઃ “તમને જે લાગે તે પણ મને તો પાકું લાગે છે કે ભગવાન હમણાં આપણી માથે નારાજ છે. નહિ તો આજ પંદર પંદર જમણ (દહાડા) થયા, આપણે ત્યાં કોઈ મહેમાન ફરક્યું નથી, એ ભગવાન રૂક્યા વિના બને ખરું? કોઈ વટેમાર્ગ આવે, કોઈ સાધુ બાવાય દેખાય, કોઈ ભિખારી કે માગણ પણ કદીક તો આપણે ત્યાં આવે જ છે. પણ આ પંદર દહાડા તો સાવ લુખ્ખા ગયા! કોઈ કહેતાં કોઈ આવ્યું નથી. ભગવાન ન રૂક્યા હોય તો આવો વાંઝિયો રોટલો ખાવાનો વારો આવે ખરો?” પુરુષ તો આ સાંભળતાં જ બેઠો થઈ ગયો, અને ગળગળો થઈ જતાં બોલ્યોઃ “તમારી વાત સાવ સાચી છે હોં. ભગવાનની મહેરબાની આપણા ઉપર ઘટી છે એમાં ના નહિ, અને એ પછી બંને જણે ઉદાસ હૈયે અને રડમસ ચહેરે ચૂપચાપ જમી લીધું.
કાઠિયાવાડમાં બનેલી આ સાચી ઘટના છે. અને આ પ્રદેશમાં આવા માનવીઓ તો આજે પણ હાલતાં ચાલતાં જડી આવે છે. આ ભૂમિ પર પાણીની તંગી પડે, ઉપરાઉપરી દુષ્કાળો પણ પડે છે, પણ હેતઘેલાં અને ભાવભીનાં હૈયાંથી મઘમઘતા માનવીઓની કદી અછત નથી પડતી. એટલે જ તો કાઠિયાવાડના લોકકવિ કાગબાપુએ ભગવાનને લલકારતો આ સોરઠો રચ્યો
કાઠિયાવાડમાં કો'ક દિ' થઈને તું મહેમાન ભૂલો પડ ભગવાન ! (તો) તને સ્વર્ગ ભૂલાવું શામળા!'
ખરી રીતે જોઈએ તો આ ધરતી ઉપર બેય જાતના માણસો વસે છે. એક એવા કે ઉપકારી ઉપર પણ અપકાર કરે, ભલાનું પણ ભૂંડું કરે, નિર્દોષને પણ દોષિત ઠરાવે - દંડે, લેવા દેવા વિના પણ બીજાને રંજાડે, સંતાપે, બીજાની ખોદે, ઉદે; જેમ જેમ સામો નરમ, નમ્ર અને સરળ બનતો જાય તેમ તેમ તેનો કેમ વધુને વધુ ગેરલાભ ઉઠાવવો અને પછી તેને દાબ-દબાણમાં રાખીને