________________
१०४
શ્રાવક થવા માટે જન્મેલા મનુષ્યને માટે આ વાત સહ્ય કે ક્ષમ્ય કેમ જ ગણાય? ગંભીરતાથી વિચારવાનું છે. વાંચીને ‘સમજાતું નથી કાંઈ' એમ કહીને કાગળને પસ્તીમાં નાખી દેવા જેવું ન કરશો.
વિહાર દરમિયાન એકવાર, એક જીપ-કાર ઉપર આલેખેલું એક સૂત્ર વાંચવા મળેલું : ‘માપમાં રહો'. વાંચતાં જ ચોંકી જવાયું. અત્યંત માર્મિક અને મર્મવેધી આ વાક્ય હતું. તેનો સૂચિતાર્થ એક જ હતો : તમે તમારી મર્યાદામાં જ રહો, મર્યાદાને ઓળંગો નહિ. વાત પણ સાચી હતી. પોતાની મર્યાદાને સમજવી જ જોઈએ, અને પાળવી પણ જોઈએ. મર્યાદાની પાળ તોડે કે ઓળંગે, તેને હાનિ પહોંચ્યા વિના ન જ રહે. સાધુ સાધુની મર્યાદા પાળે તો તેને નિંદા વગેરેના ભોગ બનવું ન પડે. તો શ્રાવક શ્રાવકોચિત મર્યાદા આચરે, તો સાધુ અને તેની ધર્મયાત્રા સીદાય પણ નહિ. નાના નાનાની મર્યાદામાં વર્તે તો તેનું હિત જળવાય જ, તો મોટા મોટાની મર્યાદા જાળવી જાણે તો નાનાનો આદર ગુમાવે જ નહિ. સૃષ્ટિ ઉપરના, મનુષ્યને બાદ કરતાં, તમામ પદાર્થો પોતપોતાની મર્યાદા પ્રમાણે જ વર્તે છે. ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતા નથી. પર્યાવરણ આપમેળે ક્યારેય બગડતું નથી. માણસ જ તેને બગાડે છે. અને બધા પદાર્થો પોતાની માપ-મર્યાદામાં વર્તે છે, માટે જ દુનિયા ટકી રહી છે, અને આપણે જીવી શકીએ છીએ. સવાલ ફક્ત આપણો - મનુષ્યનો છે. મનુષ્ય પોતાનું ‘માપ’ સમજે છે ખરો? મનુષ્ય માપમાં રહેવાનું સ્વીકારે છે કે સમજે છે ખરો? બધા મનુષ્યોની વાત જવા દઈએ, પણ આપણે, શ્રાવકો કે ધર્મી મનુષ્યો, આપણાં માપ-મર્યાદાને સમજીએ કે સ્વીકારીએ છીએ ખરા ? એને ઓળંગવાનું ખાળી-ટાળી શકીએ છીએ ખરા?
આપણે ત્યાં પ્રવર્તતા અનેક વ્યવહારોમાં જોઈ શકાય તેમ છે કે, આપણે માપ-મર્યાદા રાખી શકતા નથી. સાધુ-સાધ્વી સાથેના વર્તાવ, સંઘ-ટ્રસ્ટના વહીવટ, ધાર્મિક વિધિ-વિધાનો અને અનેકવિધ ક્રિયા-અનુષ્ઠાનો, સંઘના સામાન્ય સભ્ય ગણાતા જનસમૂહ સાથેની વર્તણૂકો, આ અને આવી અનેક બાબતો છે કે, જેમાં સંકળાયેલ-સંડોવાયેલ લોકો પોતાનું માપ ભાગ્યે જ જાણતા હોય છે, અને ઉચિત મર્યાદાનું પાલન કરવામાં ભાગ્યે જ સુસજ્જ હોય છે.
દરેક વ્યક્તિએ ઘર-પરિવારના વ્યવહારો તથા સંબંધોથી લઈને સાધુસાધ્વી-સંઘ સુધીના તમામ પ્રકારના વ્યવહારોમાં તથા સંબંધોમાં પોતાનું કઈ વાતમાં કેટલું ‘માપ’ છે તે શોધી કાઢવાનું છે, અને તે પછી પોતાના તે ‘માપ’માં
વિહારયાત્રા