________________
છે અને પકડ આવતી જાય છે તેમ તેમ તેઓમાં આરાધનાની વૃત્તિ પાતળી પડતી જાય છે. અને અભિમાન, તુચ્છતા, મમત અને હઠ, બીજા દરેકને હલકી દૃષ્ટિથી જોવાની તથા ઊતારી પાડવાની પદ્ધતિ, પોતાની વડાઈ અને અન્યની બૂરાઈ કરવાની ટેવ - આ બધું જાણ્યે અજાણ્યે પ્રવેશતું તથા વકરતું હોય છે. પરિણામે જે સાધનની મદદથી પોતાના સગુણો વિકસાવવાના છે તેનો જ ઉપયોગ અવગુણો વધારવામાં તેઓ કરી બેસે છે. તેથી તારનારું સાધન તેમના માટે તારક રહેતું નથી. આથી તેમનો ભવ સફળ બનતાં બનતાં રહી જાય છે, જે ઘેરી ચિંતાનો વિષય બની શકે.
જેમને નિત્યના ધર્મની આરાધના ઓછી ફાવે, તેવા આત્માઓને પણ વહીવટી ધર્મની આરાધના, ભવભ્રમણનો થાક ઉતારવાનું અનુપમ આલંબન અવશ્ય બની શકે તેવું છે; જો ઉપર વર્ણવ્યું તેવાં દૂષણોથી બચતાં આવડી જાય
આપણે સહુ હવે ભવભ્રમણનો થાક અનુભવીએ અને એને ઊતારવા માટેની ઉચિત મથામણ કરવામાં આજથી જ મચી પડીએ, કે જેથી અંત સમયે ભવ નિષ્ફળ ગયાની પીડા વેઠવાને બદલે “સફલ ભયો નરજન્મ હમેરો”ની આનંદદાયક લાગણી અનુભવતાં અનુભવતાં વિદાય લઈ શકીએ.
(જેઠ-૨૦૬૦)