________________
વિહારમાં તે પ્રદેશમાં રહ્યા ત્યાં સુધી ઠંડી ન લાગી. મલયાચલનો ઘાટ ચડ્યા અને ઉપરના - કર્ણાટકના ભૂભાગમાં આવ્યા તે સાથે જ ઠંડીનો ચમકારો અનુભવાવા માંડ્યો. મલયાચલની વિરાટ પહાડી, તે પર છાપેલી લીલીછમ્મ વનરાઈ જાણે પહાડોએ લીલી ચાદર ઓઢી હોય ! ચોમેર ઘટાદાર વૃક્ષોથી ભરેલાં ગાઢ જંગલો, શાંત-નિર્જન રસ્તા, અને તે બધાં વચ્ચે થઈને ચાલતી વિહારયાત્રા ! બધું જ નિરાળું !
કર્ણાટકમાં આગળ વધ્યા ત્યાં પથ્થરનાં જંગલો જોવા મળ્યાં. જંગલમાં વૃક્ષો તો હોય જ રસ્તાની બે તરફ ખેતરો પણ હોય. તેમાં ઠેરઠેર હજારો વર્ષ જૂના અને સેંકડો ટન વજન ધરાવતા મોટા મોટા શિલાખંડો પડેલા જોવા મળે. ક્યાંક એક બે તો ક્યાંક ઘણા બધા. પૃથ્વીકાયના એ પિંડની કુદરતે કરેલી રચના- ગોઠવણી જોવા જેવી. પરંતુ જ્યાં બેંગલોરથી બે ત્રણ મુકામ દૂર રહ્યાં ત્યાં સંખ્યાબંધ ક્વૉરીઓ ધણધણતી નજરે પડી. ગંજના ગંજ ખડકાયેલા ગ્રીટકપચીના. જોતાં જ ખ્યાલ પડી ગયો કે, બાવીસ હજાર વર્ષની (શાસ્ત્રોક્ત) આવરદા ભોગવવાની સંભાવના ધરાવનારા પેલા પથ્થરોનું હવે આવી બન્યું ! બે ચાર વર્ષમાં જ બધું પથ્થર-વન સફાચટ! માણસની કુદ્રષ્ટિએ કાળો કોપ જ વેરવા માંડ્યો છે!
(પોષ-૨૦૬૦)
વિહાયાત્રા