________________
તમિલનાડુ - મદ્રાસમાં દિવાળી પર વરસાદી ચોમાસું શરૂ થાય છે, જે દોઢબે માસ ચાલે છે. આ વખતે પણ વાતાવરણ તો વરસાદી છે જ, જો કે વરસાદ કાંઈ ખાસ પડતો નથી. પણ થોડોક ક્વચિત્ પડી જાય અને ગંદકી વગેરે ઉપદ્રવો કર્યા કરે છે. પાણીની અછત આ દેશમાં ઘેરી છે. આવનારાં વર્ષો ભારતના અનેક પ્રાન્તો માટે પાણીના લીધે સર્જાનારી વિષમ વિડંબનાઓના હશે, એવું વ્યાપક અવલોકન પછી લાગે.
મદ્રાસમાં મુખ્યત્વે મારવાડી જૈનોની વસ્તી જૈનોના ચારેય ફિરકામાં માનનારા બે-અઢી લાખ જૈનો હશે. ગુજરાતી જૈનો બહુ જૂજ. અઢી-ત્રણ હજારની સંખ્યામાં હશે. તેમાં પણ ધર્મમાં રસ હોય તેવા વળી ઘણા ઓછા. ગુજરાતી પરિવારોને પૈસો બહુ ઝડપથી “ચડે છે. પૈસો ચડે એટલે ધર્મ, દેરાસર, સાધુ-સાધ્વી તથા સામાન્ય સંસ્કારો – આ બધું જ ખતમ થાય. આમાનું કાંઈ ન ગમે તે તો ઠીક, પણ હવે તો એવા લોકો “પોતે બાપદાદે જૈન હતા એટલુંયે સ્વીકારવાની સ્થિતિમાં નથી, એવું પણ જોવા મળે. ખ્રિસ્તી સ્કૂલનું શિક્ષણ અને સંસ્કારો, ધર્મથી સાવ વેગળાપણું, માબાપોની સદંતર બેકાળજી, હાઈ-ફાઈ જીવનપદ્ધતિ અને રંગ-રાગ કે ઐશઆરામની પૂરી સુવિધા – આ બધાં કારણો આવું થવામાં અગત્યનો ભાગ ભજવે છે. આની સામે રાજસ્થાની સમાજમાં, સરખામણીમાં, અમુક હદે હજી ધર્મ અને સંસ્કારો બચ્યા છે. જો કે તે સમાજની પણ નવી પેઢી તો બહુ ઝડપથી ધર્મવિમુખતાના રસ્તે જવા માંડી જ છે, છતાં હજી ઘણો આશાસ્પદ વર્ગ છે ખરો.
મદ્રાસનું પુરાણું નામ ચેન્નપટ્ટણ હતું, તે પરથી આજે તેને ચેન્નાઈ નામ અપાયું છે. મૂળે તો અંગ્રેજોની વસાહતી છાવણી હતી, જે કાળાંતરે શહેર અને હવે મહાનગર-મેટ્રો સીટીમાં રૂપાંતરિત થયેલ છે. અમે ૪૫ વર્ષ અગાઉ અહીં આવેલા ત્યારે અહીંના જૈનો ગુજરાતી સમજતા. આજે હિન્દીમાં જ વ્યવહાર કરવો પડે છે. થોડાં વર્ષો પછી કદાચ અંગ્રેજીમાં કે તામિલમાં બધો વ્યવહાર (જૈનોનો) થાય તો ના નહિ. સમય સતત બદલાતો જ રહે છે.
પચાસેક દેરાસરો છે. બેએક ગુજરાતીઓનાં, બાકી મારવાડીઓ દ્વારા થયેલાં. આ પ્રદેશમાં માન-સન્માન, ખુશામત, પેપરમાં નામ-ફોટો છપાવવાની પ્રથા તથા ભાષણબાજી વગેરેનું ચલણ ખાસ છે. એ બધું કરતાં – કરાવતાં આવડે તો જામે. માત્ર આરાધના કે ધર્મની વાત કરતા રહો તો ખાસ ન જામે. અલબત્ત, આરાધનાને ચાહનારો એક વર્ગ ખરો જ. પણ તે સાવ પાતળો. મોટો વર્ગ તો સમાજલક્ષી કાર્યોવાળો જ.
(માગશર-૨૦૬૦)