________________
પ્રજાને ઉત્તેજન, સહાય, સાથ આપે છે. લોકોને હિંસા માટે લેશ પણ છોછ કે અરુચિ નથી. ભાષા અને ધર્મની સમસ્યા પણ મોટી. સાધુવર્ગનો આ પ્રજા સાથે અનુબંધ રચાય તેવું એક પણ માધ્યમ કે સાધન નથી. અને આપણે ગુજરાતમહારાષ્ટ્ર જેવા સરખામણીમાં સુગમ-સરળ લાગતા દેશોમાં પણ જો આ બધાં કૃત્યો અટકાવવા માટે લાચાર-અસમર્થ હોઈએ, તો આવા પરાયા પ્રદેશોમાં તો માત્ર અશક્ય જ ગણાય એ. હતાશ મન છેવટે “નિયતિ'ના શરણે જાય અને સમાધાન મેળવે કે “જેવી એ જીવોની નિયતિ'. નિયતિમાં તો તીર્થકરો પણ પરિવર્તન ન કરી શકે, તો આપણે કોણ? ભાવદયા જ આપણો આખરી ઉપાય, માર્ગ, આધાર.
| વિહારમાં આવતાં ગામે ગામે મારવાડી જૈનો દાયકાઓથી વસ્યા છે. તે લોકોએ લુંગીનો પહેરવેશ અને તમિળ ભાષા-બને પૂરેપૂરાં અપનાવી લીધાં છે. ધર્મના સંસ્કારો હજી જળવાયા છે ખરા. પણ હવેની પેઢી જે રીતે ખ્રિસ્તી સંસ્કરણ-શિક્ષણમાં ઉછરી રહી છે, અને પોતાની ભાષા તથા ધાર્મિક પ્રથાઓથી જે રીતે વેગળી જઈ રહી છે, તે જોતાં હવે બહુ થોડા દાયકાઓમાં આ પ્રજાનો ઘણો વર્ગ પોતાની મૂળ ઓળખ ખોઈ નાખશે તેવી દહેશત જાગ્યા વિના નથી રહેતી.
ભાષાનો પ્રશ્ન બહુ વિકટ. કન્નડભાષી દેશમાં તો હિન્દીમાં પૂછીએ તે સમજનારા મળી રહે. આ તમિળ પ્રદેશમાં તો તમિળ સિવાય કશું જ ન ચાલે. ઈંગ્લિશ પણ નહિ. ક્યારેક બહુ અગવડ પડે જ. પણ છેવટે અમે મદ્રાસ પહોંચી જ ગયા છીએ તે હકીકત છે. ભારતના ચાર મહાનગરોમાંનું એક મહાનગર તે આ મદ્રાસ. ધર્મની અનેક પ્રવૃત્તિઓથી અહીંના જૈન સંઘો ધમધમતાં રહે છે.
ગરમી અતિ તીવ્ર, ઉનાળો અતિશય આકરો. કર્ણાટક છૂટ્યું તે દિવસથી જ જે ઉકળાટ, તાપ, પરસેવાની રેલમછેલ શરૂ થયાં તે હવે તમિળનાડુ છોડીએ નહિ ત્યાં સુધી કાયમ. ગુજરાતને યાદ દેવરાવે કે પછી તેને પણ ભૂલવાડે તેવો ઉનાળો અનુભવાય. અહીંના લોકો કહે છે કે, વર્ષમાં ૧૦ મહિના આમ જ તપવાનું. બે મહિનામાં વરસાદ પડે તેટલી વાર ઠંડક, પછી તરત ઉકળાટ. અમદાવાદની જ વાત કરતા હોય તેવું લાગે.
આમ તો આ અમારી દક્ષિણ ભારતની યાત્રા ગણાય. પરંતુ દક્ષિણમાં દાખલ થયા કે સડસડાટ બેંગલોર, બેંગલોર, નીકળ્યા કે સીધા મદ્રાસ. એટલે...
બેંગ્લોરથી નીકળ્યા, જઈ પહોંચ્યા મદ્રાસ, દક્ષિણ ભારતની થઈ, યાત્રા આ અમ ખાસ