________________
લાંબો વિહાર હવે પૂરો થયો છે. સાત મહિનાથીય વધુ લાંબી વિહારયાત્રામાં અન્યાન્ય ક્ષેત્રોમાં કરેલી સ્થિરતા(રોકાણ) ના દિવસોને બાદ કરતાં ૧૪૦ દિવસનો વિહાર થયો, સાંજના વિહાર જુદા. એકંદરે વિહારયાત્રા નિર્વિઘ્ન રહી. કોઈની તબિયત ન બગડી : નહિ તો નિતનવાં પાણી આવતાં હોય ત્યારે તબિયત ન બગડે તે પરમાત્માની કૃપા જ ગણાય. બાકી ઘણાબધા પૂછે કે “બહુ કષ્ટ પડ્યાં હશે નહિ વિહારમાં?' અમે કહીએ કે “કષ્ટ પડતું જ નથી” તો એ જવાબ તેમને ગળે ન ઊતરે. ખરી વાત એ કે ડોકટરોએ નાના ને મોટા સહુને મોર્નિંગ વોકમાં ગોઠવી દીધાં છે આજકાલ. આ સંજોગોમાં ચાલતાં જવું એ કષ્ટ ન જ લાગવું જોઈએ; લાગે તે નવાઈની વાત ગણાય. અને થોડુંક કષ્ટ હોય તોય તેની સાથે શ્રાવક વર્ગ અને શ્રીસંઘ અમારી કેટલી બધી કાળજી રાખે છે ! તન, મન, ધન થકી કેટલી તો સુવિધા પૂરી પાડે છે! એ મુદ્દો ધ્યાનમાં લઈએ તો કષ્ટ લાગે જ નહિ. અને સાવ સાચી વાત કહું તો સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ પણ હંમેશાં મીઠું-મિષ્ટ અને ઈષ્ટ જ બની રહે છે. બાકી તો કઈ સ્થિતિમાં, કઈ જગ્યાએ, કોને કષ્ટ વેઠવાનું નથી હોતું? હવે તો ક્યારેક એવું લાગે છે કે સાધુની તુલનામાં ગૃહસ્થો વધારે કષ્ટ વેઠે છે. સંસાર નભાવવામાં પડતાં અસંખ્ય કષ્ટો વેઠતાં ગૃહસ્થોને જોઈને અમને વારંવાર થાય કે બાપડા આ લોકો કેવા કેવાં ને કેટલાં કષ્ટો વેઠે છે! એના કરતાં તો અમે – આપણે કેટલાં સુખી છીએ! આપણે ત્યાં રહેવા આવતા રહે તો કેવું સુખ પામે! આવું થાય. પણ અજ્ઞાનનું કષ્ટ તે સંસારનું સર્વોચ્ચ કષ્ટ છે, અને તે ગૃહસ્થોને છોડે તો ને?
હા, વિહારમાં એક કષ્ટ મોટું લાગે ટ્રાફિકનું કષ્ટ. હાઈવે હવે ધીમે ધીમે ૪ ટ્રેક થઈ રહ્યા છે; બધે થતાં તો વર્ષો વીતે. અત્યારે નેશનલ વે પણ, ટ્રાફિકના અને તેની ગતિના પ્રમાણમાં ખૂબ સાંકડા ગણાય. તે પર વહેતો વાહનોનો પ્રવાહ (ટ્રાફિક), તેના હેડ્ઝ, હોર્નની ડરામણી ચીસો, ઓવરટેક કરવાની અને ઝટ આગળ જવાની હોડ! આ બધાંની સાથે રોડ પર ચાલવાનું. બન્ને સાઈડ પર મોટાભાગે અણિયાળા કાંકરા જ પાથરેલા હોય. કાં ખૂંચે તેવી રેતી કે કાંટા હોય, કે પછી લીલોતરી ઊગી હોય. આ સ્થિતિ વચ્ચે ચાલવું એટલે જીવલેણ ટ્રાફિકપરીષહ સહન કરવા જેવું છે. હવે તો વારંવાર કેટલાય સાધુ-સાધ્વીજીને અકસ્માત નડે છે અને ભારે હાનિકારક બનાવો બને છે. આમાં, આ સંજોગો વચ્ચે, વિહાર કરીને હેમખેમ સ્થળ પર પહોંચવું તે પણ મોટું પરાક્રમ બની રહે.
વિહાયાત્રા