________________
દાબમાં એટલે કે, કબજામાં રાખવાની વૃત્તિ ઈર્ષ્યા દ્વારા આપણામાં પેદા થતી હોય છે. ‘સામાએ શું કરવું અને શું ન કરવું, એ હું જ નક્કી કરીશ, અને તેણે તે માનવું જ જોઈએ’ આવું વલણ પછી આવી જાય છે, જે ક્યારેક આપણને શોષણખોર પણ બનાવી મૂકે છે. આ સંદર્ભમાં એક ઠેકાણે વાંચેલું ઉદ્ધરણ અહીં ટાંકું:
‘એવા પ્રકારના લોકો પણ હોય છે જેઓ ત્યાં સુધી એ લોકોને મદદ કરવા તત્પર રહેતા હોય છે જ્યાં સુધી એ લોકો એમની ઉપર નિર્ભર હોય છે. જેવા પેલા માણસો પોતાના પગ ઉપર ઊભા થાય અને એમના ઉપર નિર્ભર રહેવાનું છોડી દે, (તે સાથે જ) આ પ્રકારના લોકો એમનું જીવવું ભારે કરી દેતા હોય છે અને એમના માટે મુશ્કેલી ઊભી કરી દેતા હોય છે. જો આપણે સફળ થવું હોય તો આવી વ્યક્તિઓને ટાળવી જોઈએ. એમની તરફ દુર્લક્ષ કરવું જોઈએ. એમના આવા વર્તનનું કારણ માનવસહજ સ્વભાવ અને ઈર્ષાવૃત્તિ જ હોય છે.’
આપણે તપાસ કરવાની છે કે, આપણે પણ આવા ઇર્ષ્યાખોર તો નથી ને? અને એવા ન થઈ પડાય તેની કાળજી સતત કરવાની છે. માટે જ આપણે યાદ રાખીએઃ ‘માપમાં રહો.’
‘માપ’ની બહાર નીકળી જનારા મનુષ્યની કેટલીક ખાસિયતોને સમજી લઈએ તો તેમને ઓળખી શકાય, અને આપણે તેમનાથી તેમ જ તેવા થવાથી ઉગરી પણ શકાય. આ રહી એ ખાસિયતોઃ
ન
• હું કદી ભૂલ કરૂં જ નહિ. • હું બધાની ભૂલ કાઢી શકું, મારી ભૂલ કોઈથી ના કઢાય. • હું ગમે તે કહી- સંભળાવી શકું, મને કોઈ કાંઈ કહે તે ન ચાલે. ૦ હું કોઈની પણ બાબતમાં માથું મારી શકું અને તે તેણે નભાવવું જ જોઈએ. પણ મારી બાબતમાં કોઈથી માથું ન મરાય. • હું ‘તમે આ બરાબર નથી કર્યું - નથી કરતા' એમ નિઃસંકોચ કહી શકું બીજાને, પણ મને કોઈ એવું ન કહી શકે. જ બીજાની દરેક વાત જાણ્યા વિના મને ન ચાલે, પણ મારું કશું કોઈ જાણી ન શકે, જાણે તો મને ન ફાવે. • મારી સાથેના લોકોએ હું ઇચ્છું તેમ જ વર્તવું જોઈએ, નહિ તો ન ચાલે.
આવી આવી તો અનેક ખાસિયતો હોઈ શકે છે. ‘માપ’માં રહેવા ઈચ્છનારે આ બધી ટેવોથી બચવું જ રહ્યું. આપણે સ્વેચ્છાએ જો મર્યાદામાં વર્તીશું, તો આપણા માનવીય સદ્ગુણોનો આપોઆપ વિકાસ થશે, અને અહંકાર-ઈર્ષ્યા જેવાં મલિન તત્ત્વો પણ મોળાં પડશે. એના લીધે આપણામાં લાયકાત આવશે, જે આપણને સત્પુરુષોની નજીક જવા તથા તેમની શિક્ષા તથા આશિષને યોગ્ય બનાવીને આપણું કલ્યાણ કરવામાં સબળ સાધન નીવડશે. ખૂબ વાગોળજો આ વાતોને. લાભ જ થશે.
(ફાગણ-૨૦૬૦)
K