________________
2
હમણાં ‘શિવમસ્તુ સર્વજગતઃ' સૂત્ર ચિંતનધારા ચાલી રહી છે. પ્રવચનનો વિષય પણ મોટા ભાગે તે સૂત્ર જ હોય છે. આપણી આસપાસનો સમાજ અથવા સમૂહ, પ્રવર્તમાન સંજોગોને આધીન, દુઃખ અને વેદના ભણી ધકેલાઈ રહ્યો હોય કે ધકેલાઈ જશે તેવી ધાસ્તી પ્રવર્તતી હોય, ત્યારે આ સિવાય બીજો વિષય પ્રસ્તુત પણ કેમ ગણાય ?
કોઈ દુ:ખી ન થાય, સહુ કોઈ સુખી થાય અથવા સહુનાં દુ:ખો શમી જાય, એવી મહેનત કે મથામણ તેમજ પ્રાર્થના જરૂર કરવી રહી. પણ સવાલ એ જાગે છે કે આટલા બધા લોકો એકી સાથે દુ:ખી કેમ થાય છે ? દુઃખ વિનાનો મનુષ્ય ન હોય, જીવન પણ ન હોય, એ વાતનો ઈન્કાર ન કરીએ. તો પણ એકી સાથે આટલા બધા - અગણિત જનો એકાએક દુઃખના દરિયામાં ડૂબવા માંડે તેનું શું કારણ? યુદ્ધ નથી, દુકાળ નથી, પ્લેગ જેવા ઉપદ્રવ નથી કે નથી ત્સુનામી અથવા ભૂકંપ! હા, મંદી અને મોંઘવારી જરૂર છે. પણ તેથી આટલા બધા લોકો, લોકો જ નહિ પણ રાષ્ટ્રો, આટલાં બધાં દુ:ખી થાય એ કેવું વિચિત્ર ગણાય ? આવું શાથી થયું હશે ? આમ થવાનું કારણ શું હશે ?
તત્ત્વજ્ઞાનીઓ પાસે આનો અત્યંત સાદો અને સરળ એક જ જવાબ છે : ‘અપેક્ષા’. મનુષ્યનાં તમામ દુઃખોનું એક માત્ર પ્રધાન કારણ છે અપેક્ષા. અપેક્ષાને કા૨ણે વતન છોડીને દેશાવર પણ જાય - મનુષ્ય. અપેક્ષાને સંતોષવા નોકરી કરે, વૈતરાં કરે, માનાપમાન વેઠે, ભૂખ - ઉંઘ - ઉજાગરા - મુસાફરી – કુટુંબવિરહ – ગુલામી બધુ જ સહન કરે - મનુષ્ય. બીમારીને પણ તે અવગણે, સ્વજનોને પણ છેહ દે. ન ગમતા લોકો સાથે પણ હસી ખુશીથી પનારો પાડે. બધું માત્ર અપેક્ષાને પૂરી કરવા માટે જ. શેરબજારમાં રોકાણ કરવામાં અપેક્ષા જ કારણભૂત છે. કર્મચારીઓનાં આંદોલનો પાછળ પણ અપેક્ષા જ કામ કરતી હોય છે. પોતાને જે મળે છે તેનાથી કે પોતાની પાસે જે છે તેટલાથી કોઈને સંતોષ નથી. શું શ્રીમંત કે શું નોકરિયાત – દરેકને છે તેના કરતાં વધુ મેળવી લેવું છે. મળે છે તે ગમે તેટલું વધુ પ્રમાણમાં મળતું થાય તો પણ તેઓને તે અપૂરતું લાગે છે, અને હજી વધારે કેમ મેળવવું તેની લ્હાયમાં જ તેઓ સળગતા રહે છે. મળ્યું તેટલું તો ભોગવી જ લેવાનું, પણ તે ભોગવવા પછી પણ તે ભોગવવાનો આનંદ હોય તેના કરતાં ઓછું
ચિન્તન