________________
૧૦
ધર્મશાસનમાં, સમાજમાં અને દેશમાં પણ એવી એવી ઘટનાઓ ઘટી રહી છે કે મન ચકરાવે ચડી જાય છે. ઘણી ઘટનાઓ અથવા ઘણા લોકો સાથે પાલો પાડવાનો થતો જ રહે છે. જ્યારે નિરાંત મળે ત્યારે તેનું તારણ કાઢીએ તો લાગે કે ઉચિત આચરણનો આગ્રહ ઘટતો જાય છે. લક્ષ્યવિહોણું કાર્યગ્રસ્ત કે કાર્યક્રમગ્રસ્ત જીવન જીવી નાખવાની લગભગ સામાજિક આદત બની ગઈ છે. નિરંકુશતા, ક્ષુદ્રતા અને આપમતીનું જોર નિરંતર વધી રહ્યું છે. ‘જાગૃતિ’ અને ‘ઠરેલપણું’ લગભગ નામશેષ થયાં છે.
આ બધાંને રડવાનો કોઈ જ અર્થ નથી. હતાશા અને ખેદ સિવાય, તેનાથી, કાંઈ જ નીપજે નહિ. રડવું કે હતાશ થવું એટલે આપણું પણ બગાડવું. ‘બધા આવા છે, હું એકલો શું કરી શકું?' એવો રોદણાં, શાણા કે વિચારશીલ મનુષ્યને પાલવે નહિ. તેણે તો આવા વાતાવરણમાં એક જ કામ કરવું પડેઃ જાગતા રહેવું પડે. ‘જાગૃતિ’ જ તેનું કર્તવ્ય અને તેની ઉન્નતિનો માર્ગ પણ બની રહે. બધા સૂતા હોય, સૂવાનું જ પસંદ કરતા હોય, ત્યારે જે જાગે, જાગૃતિને અપનાવે, તે જ શાણો !
જાગવાનો, કદીક, વાંધો નથી હોતો, પણ ‘જાગીને કરવું શું ?’ એ પ્રશ્ન ઘણીવાર મૂંઝવે ખરો. જાગૃત તો કૂતરાં પણ હોય છે. પણ એના જાગવાનો મતલબ એક જ ઃ ભસવું. આપણે પણ જો જાગીને કોઈની સામે / પાછળ ભસવાનું જ હોય, તો તેવી જાગૃતિ પણ શા ખપની ? પારકી પંચાત કે આપણને નિરંકુશ સ્વચ્છંદ અને તુચ્છ બનાવનારાં તત્ત્વો છે. આવાં તત્ત્વોને જ વકરવા દેવાનાં હોય તો તો તેવી જાગૃતિ પણ બેહોશીનો જ પર્યાય બની રહે.
ના, જાગવાનો અર્થ આ શ્વાનજાગૃતિ નથી લેવાનો. જાગૃતિ તો આપણી ચેતના જીવંત અને જ્વલંત હોવાનો પુરાવો છે. પ્રમાદ ટળે, દુર્ધ્યાન દૂર થાય, પરાયી તાંત - પંચાત અને ટીકા - નિંદા કરવાની આદત કહો કે વૃત્તિ તે ઉપશમી જાય, ક્લેશ અને સંક્લેશની વાતો અણગમતી થાય અને બોધ - દશા વિકસવા માંડે, ત્યારે જાગૃતિનાં પગરણ મંડાયાં છે તેમ સમજાય. પોતાના દોષ જોવાનું, કોઈપણ પ્રકારનાં નબળાં કે માંદલાં મનોવલણોને અપનાવ્યા વિના – સાવ સહજ સ્વસ્થતાથી, ગમવા માંડે, અને અન્યોના દોષો જ જોવા - જાણવા - ગાવાની જમાનાજૂની આદત અળખામણી લાગતી થાય, ત્યારે ‘જાગૃતિ’નું પ્રભાત ઊગી રહ્યું હોવાનો અહેસાસ થઈ શકે.
એક મુસ્લિમ બંધુને એક ફકીરે કહ્યું : આખો દહાડો આ વૈતરાં જ કરતો રહીશ તો માલિકની બંદગી ક્યારે કરીશ ? થોડી થોડી બંદગી પણ કરતો થા ! આના
ચિન્તન