________________
ગુજરાતી ભાષાને તેમના વ્યવહારમાંથી જાકારો મળવા લાગ્યો છે. વિચિત્રતા તો એ છે કે આવા પરિવારો, હવે ગુજરાતી બોલવામાં નાનમ અનુભવે છે અને ઈંગ્લિશ બોલવામાં ગૌરવનો અનુભવ કરે છે ! ક્યારેક એમણે કોઈ સાથે, સાધુ ભગવંતો સાથે, જો ગુજરાતીમાં વાત કરવાની થાય, તો કોઈક શબ્દ એવો આવે કે જેનો તેમને પરિચય જ ન હોય, ત્યારે તેમને તેનો અંગ્રેજી અર્થ સમજાવવો પડે. અથવા તેમનું બાળક સાથે હોય ને તેને પૂછવામાં આવે કે “એક જોઈએ કે બે ?” એટલે તેનાં મમ્મી તેને સમજાવે કે “One or Two?” ત્યારે પેલું બાળક જવાબ આપે : “Two'. તો એક અને બે જેવી તદન સામાન્ય વાત પણ તેને ગુજરાતીમાં સમજમાં આવે નહિ. અને એમાં વળી એ લોકો ગૌરવનો ભાવ અનુભવે ! | ગુજરાતીમાં મામા-મામી, ફોઈ-ફુવા, કાકા-કાદી, માસા-માસી આવાં અઢળક સગપણો અને સંબંધો છે, અને તે દરેકનો પરિચય આપતા શબ્દો પણ છે. અંગ્રેજીમાં બે જ શબ્દ છે. Uncle અને Aunty. આમાં તે વ્યક્તિ મામા છે કે કાકા ને કેમ નક્કી થશે? તેવી જ રીતે દાદા અને નાનાનો તફાવત કે પછી મામાના, કાકાના, માસાના દીકરા વચ્ચેનો તફાવત સમજાવવા માટે પણ અંગ્રેજીમાં કોઈ વ્યવસ્થા નથી. શબ્દો ન રહે, તો ધીમે ધીમે આ પ્રકારનાં સગપણો તથા તે માટેની લાગણીઓ પણ નાબૂદ થશે, અને સમય જતાં બધો ભેદ મટીને ન થવા યોગ્ય લગ્નાદિ વ્યવહારો પણ થવા માંડશે. માત્ર ભાષાની ઉપેક્ષા આપણને અહીં સુધી લઈ જઈ શકે.
ધર્મ અને સારા સંસ્કારો લગભગ નામશેષ થશે. કેમ કે ધર્મની બધી વાતો મોટા ભાગે ગુજરાતીમાં તથા પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રહેવાની. અને તે વાંચતાં બોલતાં કે સમજતાં તો આવડશે જ નહીં. અંગ્રેજી ભાષાના લાંબા Spelling તથા અટપટાં ઉચ્ચારણ (પ્રોનાઉન્સેશન) રમતાં રમતાં શીખી શકે તેવા લોકોને પણ ગુજરાતીનો કે સંસ્કૃતિનો એકાદ સાદો-સામાન્ય જોડાક્ષર વાંચતાં કે ઉચ્ચારતાં નહિ ફાવે. પરિણામે ધર્મ કેવી રીતે શીખશે? સંસ્કારો કેવી રીતે રેડી શકાશે? લાંબે ગાળે ધર્મ, ધર્મગ્રંથો, ધર્મસૂત્રો, ધર્મક્રિયા, ધર્મસ્થાનો આ બધાંયની સ્થિતિ ભારે કફોડી થવાની. અને દુર્ભાગ્ય એ હશે કે આપણા “ઇંગ્લિશ કલ્ચર'ને તે સામે કોઈ જ ફરિયાદ નહિ હોય, તે અંગે લેશ પણ ચિંતા નહિ થાય.
બહુ જ ઝડપથી આપણે ભાષા ગુમાવી રહ્યા છીએ. ધર્મ અને સદાચાર ગુમાવી રહ્યા છીએ અને આપણી સંસ્કૃતિનું, આપણી અસ્મિતાનું – Identity નું દેવાળું ફૂંકી રહ્યા છીએ. આવી જિગર ગુજરાતી પ્રજામાં જ જોવા મળે ! બીજાનું ગજું નહિ.
(વૈશાખ-૨૦૬૫)