________________
અથવા આવા કવિઓનાં અભુત કાવ્યો તેમને સાંભળવા કે શીખવા મળે ખરાં? નરસિંહ મહેતા અને દયારામ કોણ હતા તેની ગતાગમ તેમને કદાપિ પડવાની ખરી? ગુજરાત, ગુજરાતની પ્રજા અને ગુજરાતી ભાષા તેમજ આપણા ધર્મ અને નીતિના સંસ્કાર વારસા માટે અસાધારણ યોગદાન આપનાર આ બધી બાબતો વિષે તે બાળકોને કદીય કાંઈ જ જાણકારી નહિ મળે, અને તે ન મળવા બાબત તેમને કદી અફસોસ પણ ક્યાં થવાનો?
જે વાતો, જે શબ્દો, જે પરંપરા અને સંસ્કાર વિષેની માહિતી જાણકારી, આ બાળકોના કાનમાં અને હૃદયમાં, હરતાં ફરતાં અને રમતાં – રડતાં, આપણી વાતો થકી જ અને આપણા વ્યવહારો તેમજ વાતાવરણથી જ, રેડાવી જોઈએ, તે વાતો, કદાચ, તેમને જીંદગીમાં ક્યારે પણ નહિ મળવાની. અને કોઈકને તે મેળવવી હોય તો તેના માટે તેણે ખાસ Class રાખવા પડવાના અને શીખવું પડવાનું ! કેવી વિડંબના હોય આ ! મનુષ્યને પોતાના સંસ્કારનાં તથા પોતાની ભાષાનાં મૂળિયામાંથી ઉખેડી નાખવાનો એક સફળ ઉદ્યોગ એટલે બાળકને ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ ! બાળકને પહેલેથી જ અંગ્રેજીયત શીખવનાર પ્રત્યેક - મા-બાપ, ગુજરાતી સંસ્કૃતિ, સંસ્કારિતા, ભાષા અને ધર્મ – આ ચારેયને જડમૂળથી ઉખેડી નાખવાના મહાપાપના પૂરા ભાગીદાર છે.
આ બાળકોને ગુજરાતી વાંચતાં નહિ આવડે. ગુજરાતી ભાષાના રોજિંદા ઉપયોગના તથા બોલચાલમાં પ્રયોજાતા શબ્દો પણ તેમને સીધા નહિ સમજાય, તેમને તેના અંગ્રેજી પર્યાય શબ્દો કહેવા જ પડશે. ઘણા લોકો દાવો કરતાં રહે છે કે સાહેબ, એમની સ્કૂલમાં ગુજરાતીનો વિષય પણ છે, અને તેના પણ પિરિયડ હોય છે. સ્કૂલમાં તે વિષય ભલે હોય, પણ ઘરમાં તો તે બાળક સાથે તેના મમ્મીપપ્પા ઇંગ્લિશમાં જ વાતો કરવાનાં. કેમ? તો સ્કૂલવાળાની કડક સૂચના છે કે તમારે તેની સાથે ઇંગ્લિશમાં જ વાત કરવી, નહિ તો તેનું અંગ્રેજી કાચું રહેશે, ને તો પરીક્ષામાં નહિ આવડે, માર્ક ઓછાં આવશે, અને તો અમારે તેને કાઢી મૂકવો પડશે. સ્કૂલનું નામ બગડે તો !
બાળક વધુમાં વધુ સંસ્કારો મેળવે ઘરની આબોહવામાંથી. વધારેમાં વધારે શબ્દજ્ઞાન તેને થાય ઘરમાં નિરંતર ચાલતી વાતચીતોમાંથી સ્કૂલના પોણા કલાકના સાપ્તાહિક બે - ત્રણ પિરિયડોથી તેને ક્યું ભાષાજ્ઞાન લાધવાનું હતું! પણ દંભ તો આપણને કોઠે પડી ગયો છે !