________________
સ્વાર્થી આત્માઓ કરતા નથી. તડા પડાવીને, પછી તીર્થોનું સંરક્ષણ-સંવર્ધન કરનારા શ્રાવકો/સંઘો કેમ હેરાન થાય તેવી મુસીબતો પણ સર્જે છે. આ વાત લંબાણથી કરવાનું એક જ કારણ કે આવાં ભાગલાવાદી અને સ્વાર્થસાધુ તત્ત્વોથી તમારા જીવનમાં અને તમારા સંઘમાં-સમાજમાં સાવધાન રહો અને ભૂલમાં પણ એકના રાગમાં ફસાઈને બીજાઓનો અનાદર – આશાતના કરવા ન માંડો અને ધર્મના નામે પાપમાં ન પડો. ભગવાનના શાસનનો મુનિવેષ અત્યંત દુર્લભ છે અને કેવળ પવિત્ર છે. તે જોવા-વાંચવા મળે છે તે આપણું સદ્ભાગ્ય છે. તેની નિંદા કે વિરાધના થાય તેવી વાતો અને દૃષ્ટિરાગમાં તમે કદીય સપડાશો નહિ. તો જ અમારો સંગ તમારા માટે સત્સંગ ગણાશે.
| ગુજરાતની વાત કરીએ. વીતેલા દિવસો એ સમગ્ર ગુજરાત માટે નરકવેદનાના દિવસો હતા. નરકમાં પરમાધામી દેવો જે કામ કરે – સળગાવી મૂકવાનું - તે કામ આખા ગુજરાતમાં ઠેરઠેર થયું. આપણી સંવેદનશીલતા સાબદી હોય તો જગતના કોઈ ખૂણે આવો અમંગલ બનાવ બને તો તે પળે આપણે પણ કાંઈક ગુમાવ્યું છે તેવો અનુભવ થયા વિના ન રહે. ગુજરાતની જોજનો દૂર છતાં આ દિવસોમાં, અહીં, સતત આ ભાવ, આ પીડા અનુભવાઈ છે. આ પશુતા મનુષ્યમાં ક્યાંથી અને કેવી રીતે જન્મી હશે, સચવાઈ હશે, વકરી હશે? તે સવાલ સાથે જ ઊઠેલો બીજો સવાલ એ હતો કે આપણું પ્રાર્થનાબળ ખરે જ ઘટ્યું છે? પ્રચંડ પ્રાર્થનાના બળ સામે ટકી શકે તેવું પશુબળ જગતમાં છે જ નહિ, એ નિઃસંદેહ વાત છે. જ્યાં અને જ્યારે, જગતમાં પશુબળ વકરે છે, ત્યાં-ત્યારે પ્રાર્થનાનું બળ ઘટ્યું છે, ઓસર્યું છે તે નક્કી સમજવાનું. બાકી સાચા હૃદયની તીવ્ર મૈત્રી અને કરુણાભાવે થતી પ્રાર્થનાના પ્રભાવે તોફાનો અથવા હિંસાચાર શમે જ; ન શમે એવું બને જ નહિ. આ ભયાનક-ભયજનક દિવસોમાં, સમયમાં આપણે સૌએ મનમાં સતતપણે નીચેની પ્રાર્થના કરવાની છેઃ “શાંતિપ્રભુ શાંતિ કરો, સર્વ વિઘ્ન દૂર હરો'. જ્યાં, જ્યારે, જે પણ કામમાં હો, ત્યાં, ત્યારે આ પદનું પ્રાર્થનામય રટણ-ગુંજન બધાં કરજો જ.
(ફાગણ-૨૦૧૮)
વિહારયાત્રા