________________
તોફાનગ્રસ્ત વાતાવરણના લાંબા અને ચિંતાપ્રેરક ગાળામાં બધાં સ્વસ્થ હશો. કોઈને કાંઈ તકલીફ નહિ હોય. શાંતિની પ્રાર્થના તમે બધા અવશ્ય કરતાં જ હશો. તે પ્રાર્થના સતત ચાલુ જ રાખજો. સાથે નવકારમંત્રનું રટણ પણ સતત રાખજો જ. વિકટ અને વિષમ સમયમાં નવકારમંત્ર જ આપણો સાથીદાર છે, સંરક્ષક છે અને મૃત્યુ સુધીની તમામ આફતોમાંથી ઉગારનાર છે, તે કદી ભૂલતાં નહિ.
એક બનેલો સાચો પ્રસંગ છે. ઘણાભાગે ઈ. ૧૯૪રની વાત છે. મુંબઈમાં ભયાનક હુલ્લડ ફાટી નીકળેલાં. અંગ્રેજ શાસન ચાલતું હતું. તોફાનોને ડામવા માટે સરકારે માર્શલ લો અને “દેખો કે ઠાર કરો'ના હુકમ આપી દીધેલા. ગોરા સાર્જન્ટો તાકેલી પિસ્તોલે ફરે અને કોઈને દીઠો ન મૂકે. આવા સમયમાં એક શ્રાવક ગૃહસ્થ, ગમે તે કારણે બહાર નીકળવું પડેલું અને ગલીકુંચીમાં થઈને ઘેર પહોંચી જવાની ગણતરીએ લપાતા છુપાતા ચાલ્યા જાય. અચાનક તેમની સામે એક ગોરો સાર્જન્ટ આવીને ઊભો રહી ગયો અને લમણે પિસ્તોલ અડાડી દીધી. ભાષાનો ભેદ, એટલે સમજાવવાનું શક્ય ન હતું. ઉઘાડો શાસન-ભંગ હતો એટલે મોત વ્હોર્યા વિના કોઈ વિકલ્પ ન હતો. તે ક્ષણે શ્રાવક શું કરી શકે? ભયના ઓથારમાં સપડાયેલા એ શ્રાવકે તે પળે એક જ કામ કર્યું - નવકારમંત્ર ગણવાનું. મરવાનું જ છે, તો નવકાર ગણતાં આ ભવ - પરભવ સુધરે તે રીતે કેમ ન મરવું? – આવા ભાવ સાથે તેમણે – માત્ર શ્રાવકને જ છાજે તેવા ભાવથી - નવકારનું રટણ માંડ્યું. આંખો બંધ. પિસ્તોલ લમણે. મોત આ આવ્યું, આ આવ્યું તેવી સ્થિતિ. પળોનો એ ખેલ હતો. એનું આ વર્ણન વાંચતાં પણ વધુ વાર લાગે. અચાનક, પેલા સાર્જન્ટે પિસ્તોલ હટાવી લીધી, અને બોલ્યો : ચલે જાવ. એ સાથે જ કાંઈ જોયા-પૂછયા વિચાર્યા વિના તે ગૃહસ્થ નજીકમાં જ રહેલા પોતાના ઘેર પહોંચી ગયા. વર્ષો પછી એમના જ મુખે આ દિલધડક ઘટના સાંભળેલી. ત્યારે તેમણે અત્યંત શ્રદ્ધાનીતરતા સૂરે કહેલું મને કોણે બચાવ્યો? માત્ર નવકારે. સિવાય કોઈ તાકાત કે પરિબળ મને બચાવી શકે તેવું નહોતું જ.
તો આ છે નવકારમંત્રનો પ્રતાપ-પ્રભાવ. તેનું રટણ જીવ બચાવે, અને શાંતિપ્રભુનું નામ શાંતિ સ્થાપે. બે વાનાં અમોઘ છે, કદી ફળ્યા વિના ન રહે. અને કોઈવાર, આપણો અંત આવી ગયો હોય તોય, આ મંત્રનું રટણ જો હોય તો આ જન્મનો અંત બગડતો અટકે અને નવો ભવ સુધર્યા વિના ન રહે. ની