________________
જૈનશાસનની આ એક અજોડ વિશેષતા છે કે સાધુ વધુમાં વધુ ચારેક માસ એક ઠેકાણે રહી શકે. પછી તેણે તે સ્થાન છોડવું જ રહે; વિહાર કરીને જુદા જુદા સ્થાને જવું જ પડે. ક્યાંય કોઈ સ્થાન માટે કે વ્યક્તિવિશેષ માટે મમત્વ કે રાગ ન બંધાઈ જાય; નવનવાં ક્ષેત્રોનો તથા લોકોનો પરિચય થવા સાથે તેમને સાધુસમાગમથી ધર્મલાભ થાય; દેશદેશના રીત-રિવાજ, રહેણીકરણી, ભાષા-બોલી, સ્વભાવ અને વર્તન વગેરેનો પરિચય મળે; આરોગ્યની દૃષ્ટિએ પણ ચાલવાને કારણે અનેક તકલીફોમાં ફાયદા થાય - મેદ ઘટે, વગેરે કેટલા બધા લાભો છે આ પ્રણાલિકાના? વળી, શ્રાવકો ભરપૂર કાળજી રાખતા જ હોવા છતાં ઘણીવાર અણગમતું સ્થાન, અણભાવતો આહાર, વિચિત્ર પ્રકૃતિના લોકો તથા એવું એવું અણગમતું – અણભાવતું ઘણું મળે – અને મળે જ – તે બધું હોંશે હોંશે, હસતાં રમતાં ચલાવી લેવાની ટેવ પડે. અને તેનાથી સહનશીલતા તથા સમતાની પણ કેળવણી થાય. તાલીમ મળે. જુદા જુદા દેશ, જ્ઞાતિ, પ્રકૃતિ અને ઘડતર ધરાવતા સાધુમહારાજોરૂપી સાધમિક બંધુઓ સાથે હળીમળીને રહેવાનું ફરજિયાત હોવાથી વાતે વાતે “આ ન ફાવે, આ મારાથી સહન નહિ થાય, એની સાથે હું નહિ બેસું” એવી અનાદિકાળની અરુચિ કે ધૃણા જેવી બાબતો પણ સાવ સહજભાવે સદૂભાવમાં, સહાનુભૂતિમાં, પ્રેમ અને મૈત્રીમાં પલટાઈ જાય; આવા તો અનંત ફાયદા છે આ પ્રથામાં.
ભગવાનના શાસનની એકેએક વાત આપણા આત્માનું ભલું કરવા માટેની છે. એકેએક ક્રિયા તે આપણા આંતરિક સદ્ગણોનો વિકાસ કરી આપનારી પ્રક્રિયા છે. સાધુપદ એ ગુણોનો વિકાસ કરવા માટેની શ્રેષ્ઠ ભૂમિકા છે. આવી વિહારયાત્રામાં પરસ્પરનો સ્નેહ, સહાય કરવાની વૃત્તિ, વૈયાવચ્ચની શુભ ભાવના, વિશેષે વધે
છે.
અને પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો તથા લીલા જોવાનું મળે તે તો નફામાં! સ્થિરતામાંય આનંદ, વિહારમાંય આનંદ. બધાં મળે તોય મજા, બધાંને છોડવાનીયે મજા.
આવી મજા અમને મળી છે, માત્ર ભગવાનના અનુગ્રહ થકી જ. આવી મજા મેળવવાનું મન થાય તો, અને જેને મળી છે તેની અદેખાઈ આવે તો તમે શ્રાવક સાચા.
(પોષ-૨૦૧૮)
વિહયાત્રા