________________
ધરમપુરથી નાસિક અને નાસિકથી પૂના સુધીનો સમગ્ર રસ્તો પર્વતાળ રહ્યો. સહ્યાદ્રિની ગિરિમાળાથી છવાયેલાં જંગલોમાંથી પસાર થતા આ રસ્તા પર ઘાટચઢાણ-ઉતરાણ સતત ખૂબ આવ્યા. પરંતુ આ પર્વતીય પ્રદેશમાં જે પ્રાકૃતિક સૌંદર્ય નિખર્યું છે તે જોતાં જ બધો થાક ઓગળી જતો. અદ્ભુત સૌંદર્ય ! અનુપમ પ્રકૃતિશોભા ! આપણા લોકો આવું બધું જોવા-માણવા દેશ-વિદેશની ટૂર પર જતાં હોય છે, તેમને ઘરઆંગણાની આવી પ્રાકૃતિક શોભા જોવાનું કેમ નહિ સૂઝતું કે રુચતું હોય! અમારી સાથે વિહાર કર્યો હોય તો તો આ બધું નિરખવાનો કાંઈ ઓર આનંદ આવે પણ વો દિન કહાં.....
છેલ્લા એક મહિનાથી ઠંડી ખાસી મજાની પડે છે. ઘણાં વર્ષે આવી ઠંડી અનુભવવા મળી. સાંભળવા મળે છે કે, આ વેળા ગુજરાતમાં પણ સારી ઠંડી છે.
પૂનામાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ જોવા જવાનું બન્યું. પ્રાચ્યવિદ્યા - સંશોધનનું બહું મોટું અને પુરાણું કેન્દ્ર છે. ત્યાં એક ગૃહસ્થ મળ્યા, તેમણે તથા એક અન્ય પુસ્તક-વિક્રેતા મળ્યા તેમણે બહુ જ બળાપો કાઢ્યો કે જૈન લોકો પુસ્તકોમાં, વાંચનમાં તથા સ્વાધ્યાયમાં રસ કેમ નથી લેતા? સેંકડો જૈન પુસ્તકો પ્રકાશિત થાય છે, (વૈજ્ઞાનિક, સંશોધનાત્મક). પણ એક પણ જૈનને - અહીં - તે વિશે જાણકારી નથી, રસ નથી; આવું કોઈ પુસ્તક છે અથવા તો તે અમુક જગ્યાએ મળે છે તેટલી પણ કોઈને માહિતી નથી હોતી. પરભાષાના કે પરદેશના કોઈ જિજ્ઞાસુ - અભ્યાસી આવે તો તેને જૈન સિદ્ધાંતો વગેરે સમજાવે તેવું પણ કોઈ નથી. માગધી ભાષા વિશે ગંજાવર કાર્ય થતું હોય તેમાં પણ કોઈ રસ ન લે કે મદદ પણ નથી કરતું. અહીં સ્પેન, જાપાન અને એવા અન્ય દેશોમાંથી અનેક વિદ્યાર્થીઓ જૈનોલોજી વિશે શીખવા આવે છે, પરંતુ તેમને ઉભવતા પ્રશ્નોના સમાધાન કોણ આપે? અને આપણા લોકોને આવું શીખવું કેમ નથી ગમતું?
શું તમે લોકો ફક્ત મંદિરો જ બાંધશો? પ્રતિમાઓ જ વધારતાં રહેશો? ફુલોની વૃષ્ટિ અને આંગીઓ જ કરાવીને લાભ સમજશો? ભીંત પર આગમો કોતરાવવામાં જ બધું આવી ગયું? ભણશો - વાંચશો જ નહિ?
આવા આવા ઘણા અણિયાળા સવાલ તેમણે પૂછી નાખ્યા. જવાબ આપીએ, "