________________
વિહાર એ અમારા મુનિજીવનની એક આવશ્યક ચર્યા, આરાધના છે. પૂર્વના મહામુનિઓ જે અણીશુદ્ધ, નિર્દોષ વિહારચર્યા આરાધતા હતા, તે તો આજના અમારા ખડખડપાંચમ અને સુખશીલિયા શરીર માટે શક્ય નથી રહી. કોઈ એકલ દોકલ અપવાદને બાદ કરતાં તે પ્રકારની ઊંચી ચર્ચા હાલ અત્યંત મુશ્કેલ છે. હા, કેટલાક લોકો “અમે શુદ્ધ અને ઊંચી ચર્યા પાળીએ છીએ' એવો દાવો, જાહેરમાં અવશ્ય કરે છે. પરંતુ “દાવો દંભી જ કરે; જે સાચેસાચ સાચી ચર્યા પાળતા હોય તે ક્યારેય જાહેરમાં દાવો કરવા આવતા નથી, કેમ કે તેઓ આત્મસાધનાના ખપી હોય છે' - આ સત્ય કદી ભૂલવું નહિ. જયાં દાવા હોય ત્યાં કાવાદાવા જ હોય.
પરંતુ, જે ઊંચી ચર્ય પાળવાનું આપણા મહાપુરુષોએ ફરમાવ્યું છે, તે ચર્યાની પૂર્વાભ્યાસ - રિહર્સલ જેવી ચર્યા અમે જરૂર આરાધીએ છીએ. શરીર ભલે સુંવાળાં બન્યાં, પણ શ્રદ્ધા દૃઢ હોય છે. ન પાળીએ તે આપણી ખામી; પાળવું જ જોઈએ – એ જ સાચો માર્ગ છે, ને એ માર્ગની સ્થિતિ અમને ઝટ ક્યારે સાંપડે ? આવી તીવ્ર તમન્ના અને સુદઢ શ્રદ્ધા જ અમારી આ મુનિચર્યા પાછળનું ચાલક બળ છે. અમારી આ ચર્યા પણ જોવા જેવી છે. હું તો તમને ભાવભર્યું નોતરું આપું કે એકવાર કોઈ પણ ઉદ્દેશ વિના જ, અમારી સાથે એકાદ બે વિહાર કરો. મુનિચર્યા શું ચીજ છે તેનો દુર્લભ જાતઅનુભવ થશે, અને કાંઈક નવી પ્રાપ્તિ પણ થશે. અખતરો કરવા જેવો છે.
તમારા જીવનમાં ધર્મભાવના ખૂબ વધી હોવી જ જોઈએ. આજે કરો છો તે કરતાં સવાયો અને સવિશેષ ધર્મ કરતા તમે હોવા જોઈએ. તમારે ત્યાં પધારનાર સાધુ-સાધ્વીજીની ભક્તિ-વૈયાવચ્ચ ભાવપૂર્વક વિશેષે કરજો. કોઈની સંકુચિત, રાગ-દ્વેષપ્રેરિત નબળી વાતોમાં કદાપિ આવવું નહિ. પણ સાથે સાથે તેવાની પણ વૈયાવચ્ચ કરવાનું ચૂકવું નહિ, આ અમારી શીખ છે.
હલકી, હીણી, છીછરી, નકામી, અછાજતી વાતોમાં ફસાશો નહિ. એવી વાતોનો ભોગ ન બનવું. એવી વાતો કરનારાથી વેગળા રહેવું. વાતો પ્રાસંગિક હોય, ધર્મ અને તેની પરિણતિ કાયમી હોય. એવી નકામી વાતો આપણી ધર્મપરિણતિને કલુષિત, મલિન કે બરબાદ ન બનાવી જાય તેની સતત ચિંતા સભાનપણે સેવજો.
કદીક તમારી ધર્મ-પરિણતિનો હિસાબ માગીશું. આપશો ને? તો ધર્મ ખૂબ વધારજો.
(માગશર-૨૦૫૮)